હવે ડેમ સેફટી એક્ટ આધારે ડેમોની તલસ્પર્શી રીતે બારાકાઇથી ચકાસણી કરાશે
ગુજરાતમાં નાના મોટા ડેમોની વર્તમાન સ્થિતીની ચકાસણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના આદેશને પગલે ગુજરાત ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશને ડેમોની ચકાસણી કરીને સરકારને એક અહેવાલ સુપરત કર્યો છે. ગુજરાત વિધાનસભામાં ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનના અહેવાલને રજૂ કરાયો છે જેમાં એવી ડેમો માટે ઇમરજન્સી પ્લાન ઘડવા ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર હવે ડેમોની સારસંભાળને લઇને અલાયદુ ડેમ સેફ્ટી યુનિટની પણ રચના કરવા જઇ રહી છે. વર્ષ 2021માં ડેમ સેફ્ટી એક્ટ અમલી બન્યા બાદ ગુજરાત સરકારે પણ સ્ટેટ ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનની રચના કરી છે. અત્યાર સુધી જૂની પધ્ધતિથી ડેમોની ચકાસણી કરવામાં આવતી હતી પણ હવે ડેમ સેફટી એક્ટ આધારે ડેમોની તલસ્પર્શી રીતે બારાકાઇથી ચકાસણી કરવામાં આવી રહી છે.આ ડેમ સેફટી ઓર્ગેનાઇઝેશનને વર્ષ 2022-23માં કુલ મળીને 53 ડેમોની ચકાસણી કરી હતી. આ ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનના મતે, હાલ એકેય ડેમ મોટી મરામતની જરૂર નથી. કોઇ મોટી ખામી જણાતી નથી. મોટાભાગના ડેમોમાં નાના ઉપચારાત્મક પગલાં લેવાની જરૂર છે. આ બધાય ડેમોને સ્પેસિફાઇડ ડેમ તરીકે ત્રીજી કેટેગરીમાં મૂકાયા છે.