શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 13 લાખ કરોડ ડૂબ્યા
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે આજે બુધવારે શેરબજારમાં ફરી એકવાર કડાકો બોલાયો હતો. આજે સવારે થોડા મોમેન્ટમ સાથે ખુલ્યા બાદ અચાનક ઘટાડો શરુ થયો હતો. સેન્સેક્સમાં આજે 1000 પોઈન્ટનો ઘટાડો નોંધાયો જ્યારે નિફ્ટી 350 પોઈન્ટ તૂટી ગઈ. બપોરે 2:30 વાગ્યે સેન્સેક્સ 1046 પોઈન્ટ એટલે કે 1.42 ટકા તૂટીને 72621 સ્તરે પહોંચીને વેપાર કરી રહ્યો હતો ત્યારે નિફ્ટી 1.74 ટકા અથવા 388 પોઈન્ટ તૂટીને 21,947 પર વેપાર કરી રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સમાં 1730 પોઈન્ટ અથવા 3.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો. સાથે જ નિફ્ટીના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 676 પોઈન્ટ એટલે કે 4.50 ટકા ઘટીને વેપાર કરી રહ્યો હતો. આ ભયંકર ઘટાડાના કારણે માર્કેટનું સેન્ટીમેન્ટ બદલાઈ ગયું અને દિગ્ગજ કંપનીઓના શેરમાં જબરદસ્ત વેચાવલી થઈ.