આજે કોંગ્રેસની ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સરકાર સામે ગાંધીધામથી ગાંધીનગર સુધી ખેડૂત સંવેદના યાત્રા.
ગાંધીધામ :
ગુજરાત કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સરકાર સામે આજે ગાંધીધામથી ગાંધીનગર સુધી ખેડૂત સંવેદના યાત્રા યોજવામા આવી છે. ગુજરાત કોંગ્રેસ તરફથી આ યાત્રાની શનિવારે સત્તાવાર જાહેરાત કરાઇ હતી. આ યાત્રા ગાંધીધામથી ઉપડી બીજી તારીખે ગાંધીનગર પહોંચશે. ઉલ્લેખનિય છે કે આ બીજી તારીખે જ ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે અને આ દિવસે જ નાણાંમંત્રી વિધાનસભામાં રાજ્ય સરકારનું પૂર્ણ કદનું બજેટ રજૂ કરનાર છે. આ પહેલાં કોંગ્રેસ આ યાત્રા દ્વારા સરકારને ભીંસમાં લેવા પ્રયત્નો કરશે. યાત્રા દરમિયાન કોંગ્રેસ ગુજરાતની ભાજપ સરકાર સામે ગુજરાત માં ચર્ચિત કાંડ મગફળીમાથી મલાઇ કોણ તારવી ગયુ ?, વિમા પ્રિમિયમ, મગફળી અને તુવેર ખરીદી, ખાતર અને બિયારણની ખેંચમાં જેવા મુદ્દા પર થયેલાં કૌભાંડો મુદ્દે અવાજ ઉઠાવશે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દાઓ પર તપાસના નામે કૌભાંડીઓને બચાવીને વિપક્ષ પર દોષારોપણ કરી રહી છે. આવી ઘટનાઓના વિરોધમાં જ ગુજરાત કોંગ્રેસ રાજ્યના ખેડૂતોની પડખે રહી ખેડૂત સંવેદના યાત્રા કરી રહી છે.