રાષ્ટ્રીય

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન

ન્યુ દિલ્હી :

મોદી સરકારના કાર્યકાળ પહેલામાં વિદેશ મંત્રીના પદ પર રહેલા સુષ્મા સ્વરાજનું નિધન થઇ ચૂક્યું છે. તેમને દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા..  સૂત્રો દવારા મળેલી જાણકારી મુજબ તેઓને છાતીમાં દુખાવો ઉપડતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

ભાજપના સિનિયર નેતા અને પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ નું નિધન થયું છે. તેઓ 67 વર્ષનાં હતાં. મંગળવારે રાત્રે નવેક વાગ્યે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને ગંભીર હાલતમાં દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. સ્વરાજે મંગળવારે તેમના ટ્વીટર હેન્ડલ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારને જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના પગલાં બદલ અભિનંદન આપતાં ટ્વીટ પણ કર્યું હતું. આર્ટિકલ 370 નાબૂદ કરવાનાં સરકારનાં પગલાં અંગે તેમણે લખ્યું હતુંઃ ‘હું મારા જીવનમાં આ દિવસ જોવા માગતી હતી.’ તેમના નિધનના સમાચાર જાહેર થતાંની સાથે સમગ્ર દેશમાં શોક અને આઘાતનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી અને ડો. હર્ષવર્ધન એઈમ્સ પહોંચી ગયા હતા. તેમની સાથે અન્ય નેતાઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

14 ફેબ્રુઆરી 1953ના રોજ જન્મેલાં સુષ્મા વ્યવસાયે વકીલ હતાં. તેમણે મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં 26મે 2014થી 30 મે 2019 સુધી વિદેશમંત્રી તરીકે કાર્યકાળ સંભાળ્યો હતો. ઈન્દિરા ગાંધી પછી વિદેશ મંત્રી બનનારાં તેઓ બીજાં મહિલા હતાં. તેઓ સાત વખત સંસદમાં ચુંટાયા હતા અને ત્રણ વખત તેઓ ધારાસભ્ય બન્યા હતાં. 1977માં 25 વર્ષની વયે તેઓ પહેલી વખત હરિયાણા રાજ્યમાં કેબિનેટ મંત્રી બન્યાં હતાં. કોઈ મહિલા આટલી નાની વયે મંત્રી બને તેવો ભારતનો તે સૌથી પહેલો કિસ્સો હતો. 13 ઓક્ટોબર 1998થી 3 ડિસેમ્બર 1998 સુધી તેમણે દિલ્હીનાં પાંચમા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓ મધ્યપ્રદેશના વિદિશા લોકસભા મતવિસ્તારમાંથી બીજીવાર ચૂંટાયાં હતાં અને ચાર લાખ મત સાથે રેકોર્ડ વિજય મેળવ્યો હતો. 26મે 2014ના દિવસે તેઓ વિદેશમંત્રી બન્યાં હતાં. અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા સ્વરાજને ભારતનાં સૌથી લોકપ્રિય રાજકારણી તરીકે ચાહના મળી હતી. સુષ્માએ 2019માં લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો. તેમણે અગાઉ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું અને તેમની તબિયત નાજુક રહેતી હોવાથી તેમણે આ નિર્ણય લીધો હતો.

તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશ સ્તબ્ધ બની ગયો છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટર પર સુષ્મા સ્વરાજનાં નિધન અંગે લખ્યું કે, બહેન સુષ્માના નિધનથી હું અત્યંત સ્તબ્ધ થઈ ગયો છું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x