સ્માર્ટ સીટી અંતર્ગત ગાંધીનગરમાં 200 કરોડ રૂપિયાના નવી ડ્રેનેજ લાઈન પ્રોજેકટને સરકારની મંજુરી
રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત કરોડો રૂપિયાના કામો થવાના છે ત્યારે શહેરમાં ર૪ કલાકના પાણીના પુરવઠા માટેના ર૪૧ કરોડના પ્રોજેકટને સરકારે મંજુરી આપ્યા બાદ ર૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીનગરમાં નવી ડ્રેનેજ લાઈનના પ્રોજેકટને પણ મંજુરી આપી દેવામાં આવી છે. જેને પગલે હવે કોર્પોરેશન ટેન્ડર પ્રક્રિયા કરીને આગામી ફેબુ્આરી મહિનાથી કામગીરી શરૂ કરશે. આગામી ૧૦૦ વર્ષના આયોજનને ધ્યાને રાખીને આ ડ્રેનેજ લાઈન નાંખવામાં આવશે જે હયાત કરતાં ત્રણ ગણી મોટી લાઈન હશે. જેથી હવે શહેરમાં પાણી અને ગટરલાઈનનું એક સાથે જ કામ શરૂ થશે.
છ દાયકા પહેલા રાજ્યના પાટનગર તરીકે ગાંધીનગરની રચના કરવામાં આવી ત્યારે ભવિષ્યના વિકાસ અને વસ્તીવધારાને ધ્યાનમાં રાખીને વિવિધ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રથમ જુના સેક્ટરો બાદ તબક્કાવાર નવા સેક્ટરો વિકસાવવામાં આવ્યા હતા ત્યાર બાદ છેલ્લા પાંચ-સાત વર્ષોથી ગાંધીનગર શહેરમાં વસ્તી વધવાને કારણે પ્રાથમિક જરૂરીયાતની સુવિધા પણ ઘટી રહી છે તેવી સ્થિતિમાં રહેણાંક વિસ્તાર વધવાને કારણે પાણી અને ગટરની લાઇનો બદલવાની તાતી જરૂરીયાત વર્તાઇ રહી છે. ત્યારે ગાંધીનગરનો સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાથી કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ કામો હાથ ધરાવાના છે.
જેમાં ગાંધીનગરને ર૪ કલાક પાણીનો પુરવઠો આપવાનું આયોજન હાથ ધરાયું છે. તાજેતરમાં જ રાજયના મુખ્યમંત્રી સાથે મેયર, કમિશનર અને અન્ય અધિકારી પદાધિકારીઓની બેઠક મળી હતી જેમાં આ પાણીનો ર૪૧ કરોડના પ્રોજેકટની સાથે ગાંધીનગર શહેરમાં નવી ગટર લાઈનના ર૦૦ કરોડ રૂપિયાના પ્રોજેકટને પણ લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
જેને પગલે હવે કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવશે અને ફેબુ્રઆરી મહિનાથી પાણીના પ્રોજેકટની સાથે જ ગટરના પ્રોજેકટનું કામ પણ શરૂ કરી દેવામાં આવનાર છે. નોંધવું રહેશે કે ગાંધીનગર શહેરમાં નવા અને જુના સેક્ટરોમાં મુખ્ય તથા આંતરિક વિસ્તારની ડ્રેનેજ લાઇન બદલવાની કામગીરી કાગળ ઉપર શરૂ થઇ ગઇ છે.
હયાત ગટરલાઈન કરતાં ત્રણ ગણી મોટી લાઈન રાખવાનું આયોજન હાથ ધરાયું છે. આગામી ૧૦૦ વર્ષ અને ગાંધીનગર શહેરની વસ્તી આઠ લાખ સુધી પહોંચે ત્યાં સુધી કોઈ અગવડતા ના પડે તે પ્રકારે આયોજન કરવામાં આવનાર છે. તો શહેરમાં પાણી અને ગટરલાઈન બન્ને નવા થઈ રહયા છે ત્યારે તેમાં પણ તંત્ર ખાસ ચોકસાઈ રાખી રહયું છે અને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે તે હેતુથી રોડની બન્ને સાઈડ પાણી અને ગટરલાઈન અલગ અલગ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.