લોકશાહીની ચિંતા વ્યક્ત કરી વધુ એક IAS શશિકાન્ત સેન્થિલનું રાજીનામું
મેંગલુરુ:
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના ડેપ્યુટી કમિશનર એસ. શશિકાન્ત સેન્થિલે શુક્રવારે રાજીનામું આપી દીધું. તેમણે રાજીનામાને અંગત ગણાવ્યું છે પણ તેમણે તેમના પત્રમાં કહ્યું છે કે લોકશાહીના તમામ સંસ્થાનોને દબાવાઇ રહ્યા હોય તેવા સમયે સિવિલ સર્વિસમાં રહેવું અનૈતિક માનું છું. સેન્થિલ અઠવાડિયાથી રજા પર હતા. તેઓ એસ. એમ. કૃષ્ણાના જમાઇ વી. જી. સિદ્ધાર્થના આપઘાત કેસની તપાસ પણ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આવનારા દિવસો દેશના મૂળભૂત તાણાવાણા માટે અત્યંત કઠિન પડકારો ઊભા કરશે.
અગાઉ દાદરા-નગર હવેલીમાં IASએ આ જ કારણે રાજીનામું આપ્યું હતું
40 વર્ષીય સેન્થિલ તમિલનાડુના રહેવાસી છે. 2009ની બેચના આઇએએસ અધિકારી સેન્થિલ 2017માં દક્ષિણ કન્નડના ડેપ્યુટી કમિશનર બન્યા હતા. નવેમ્બર, 2016થી ખાણ અને ભૂવિજ્ઞાન વિભાગમાં નિયામક હતા. 2009થી 2012 સુધી બેલ્લારીમાં સહાયક કમિશનર તરીકે કામ કર્યું હતું. અગાઉ દાદરા-નગર હવેલીમાં પણ IASએ આ જ કારણે રાજીનામું આપી દીધું હતું.