ગાંધીનગરમાં ધંધાકીય અદાવત: ઓનલાઈન ટેક્સી ડ્રાઈવર પર 4 શખ્સોનો જીવલેણ હુમલો
ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં દાદા ભગવાન રોડ નજીક ઓનલાઈન ટેક્સીની વર્દીની રાહ જોઈ રહેલા એક યુવાન ડ્રાઈવર પર ચાર અજાણ્યા શખ્સોએ લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ધંધાકીય હરીફાઈની અદાવતમાં આ હુમલો થયો હોવાનું માનવામાં આવે છે. હુમલાખોરોએ યુવાનનું માથું ફોડી નાખ્યું અને તેના હાથની કોણીમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું. અડાલજ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદના સિંગરવા વિસ્તારમાં રહેતા અને ઓનલાઈન કેબ સર્વિસમાં ટેક્સી ચલાવતા વિપુલ મેલાભાઈ પરમાર નામના યુવાને આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેણે તેના એપાર્ટમેન્ટમાં જ રહેતા જીગર છગનભાઈ રબારી અને ત્રણ અજાણ્યા શખ્સોને આરોપી તરીકે દર્શાવ્યા છે.
વિપુલ અડાલજ નજીક વર્દીની રાહ જોતો હતો, ત્યારે બે અજાણ્યા શખ્સોએ આવીને તેને ક્યાંનો છે તેમ પૂછ્યું હતું. તેણે ‘પાટણના નાણા ગામનો’ હોવાનું જણાવતા જ બંનેએ હુમલો કરી દીધો અને ગાડીની ચાવી કાઢી લીધી. દરમિયાન, આરોપી જીગર રબારી સહિત અન્ય બે શખ્સો પણ આવી ગયા અને લાકડીઓથી માર માર્યો હતો. આરોપીઓએ વિપુલને ‘મારી નાંખીશુ’ની ધમકી આપી હતી. રાહદારીની મદદથી વિપુલને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.