સાદરામાં ખેતરમાં જુગાર પર રેડ: ચિલોડા પોલીસે રોકડ સાથે 4 શખ્સોને ઝડપ્યા
ગાંધીનગર તાલુકાના સાદરા ગામની સીમમાં આવેલા આમળાના એક ખુલ્લા ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ચિલોડા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે જુગાર રમતા ચાર શખ્સોને સ્થળ પરથી ₹21,000 રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.
જોકે, ખુલ્લા ખેતરમાં જુગાર રમાતો હોવાથી પોલીસને આવતા જોઈને જુગાર રમાડતા મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ શખ્સો ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પીછો કરીને સાદરાના જયેશ ચૌહાણ, દેવા વણઝારા, મહેશ રાવલ અને માધવગઢના ગાભાજી ચૌહાણ સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.
ફરાર થયેલા આરોપીઓમાં જુગાર રમાડનારા સાદરાના હમિર ઉર્ફે સુમનજી ઠાકોર અને મહેશ ઉર્ફે મોહનજી ચૌહાણ ઉપરાંત શીહોલી મોટી ગામનો અશોકજી ઠાકોર એમ કુલ ત્રણ શખ્સોનો સમાવેશ થાય છે. ચિલોડા પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે અને જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.