ભારત બન્યું વિશ્વનું ‘ગ્રોથ એન્જિન’: IMF ચીફ
ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકેનું પોતાનું વર્ચસ્વ જાળવી રહ્યું છે, ત્યારે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) એ પણ ભારતની જોરદાર પ્રશંસા કરી છે. વોશિંગ્ટનમાં યોજાનારી IMF-વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠક પહેલાં, IMF ચીફ ક્રિસ્ટાલિના જૉર્જીવાએ ભારતને વિશ્વના ‘ગ્રોથ એન્જિન’ તરીકે ગણાવ્યું છે.
જૉર્જીવાએ જણાવ્યું કે વૈશ્વિક વિકાસની પદ્ધતિઓ બદલાઈ રહી છે અને ચીન જેવા દેશોની વૃદ્ધિ દરમાં ઘટાડો થઈ રહ્યો હોવા છતાં ભારતે સાહસિક આર્થિક નીતિઓ વડે પોતાને સાબિત કર્યું છે. તેમણે માળખાકીય સુધારાઓ, ખાસ કરીને દેશવ્યાપી ડિજિટલ ઓળખ (આધાર) લાગુ કરવાની સફળતાને ‘સાહસિક’ ગણાવી હતી અને કહ્યું હતું કે ભારતે શંકા કરનારાઓને ખોટા સાબિત કર્યા છે.
જૉર્જીવાએ વૈશ્વિક અર્થતંત્રના પડકારો પર પણ ધ્યાન દોર્યું, તેમણે કહ્યું કે મધ્યમ ગાળામાં વૈશ્વિક વિકાસ દર કોરોના મહામારી પહેલાના 3.7%થી ઘટીને લગભગ 3% રહેવાનો અંદાજ છે. તેમણે અમેરિકી ટેરિફ સહિત નીતિગત બદલાવોથી પેદા થયેલા તણાવની સંપૂર્ણ અસર હજી સામે આવવાની બાકી છે, તેમ કહીને ચેતવણી આપી હતી.