ગુજરાત

યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ પ્રકાશિત ” ગુજરાતની રાજકીય ગાથા” પુસ્તક ભાજપના મુખપત્ર સમાન : જયરાજસિંહ

અમદાવાદ :

1970 માં કોંગ્રેસ સરકારે રચેલા યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ નો હેતુ સાવ સસ્તા દરે રાજ્યના યુવાનોને ભાષા, સાહિત્ય, શિક્ષણ અને સંશોધન વિગેરે વિષયો પર તથ્યાત્મક માહીતી મળી રહે તેવા પુસ્તકો ઉપલબ્ધ કરાવવાનો હતો. પરંતુ શિક્ષણના ભગવાકરણ માટે પંકાયેલી ભાજપ આ ગ્રંથ નિર્માણ બોર્ડને પક્ષના પ્રચાર – પ્રસારનુ માધ્યમ માત્ર બનાવી દીધું છે. આરએસએસની પૃષ્ઠભૂમિ હોવી એ એકમાત્ર યોગ્યતા અને શરત ગ્રંથ નિર્માણ બોર્ડ સાથે સંકળાવવાની છે તે હકીકત છુપી નથી. તેવું કોંગ્રેસના જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું.

હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાયેલ ફંડમાંથી ભાજપના મુખપત્ર સમાન પુસ્તક “ગુજરાતની રાજકીય ગાથા” ની પાંચ હજાર પ્રત આ ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા છાપવામાં આવી છે. પુર્વ સાંસદ અને બોર્ડ ના ઉપાધ્યક્ષ ભાવનાબેન દવે અને પરિક્ષીત જોશી દ્વારા તૈયાર કરેલ આ પુસ્તક નરેન્દ્રભાઈ મોદીના રાજકીય ભાષણોનું સંકલન હોય તેવું લાગે છે. જ્યારે ગુજરાતના પ્રાથમિક થી લઈને ઉચ્ચ શિક્ષણની સ્થિતિ સમગ્ર દેશના પરિપેક્ષમાં ખુબજ નબળી હોય ત્યારે વિધ્યાર્થીઓ ને બીન ઉપયોગી અને ભાજપ માટે વોટ અપીલ કરતા પુસ્તક છાપવાની જરૂર શું તે સવાલનો જવાબ સરકારે આપવો જોઈએ.

ગુજરાતની રાજકીય ગાથા ગાનાર આ બંને લેખક કે પ્રકાશકને ગોધરા કાંડ કોંગ્રેસ પ્રેરિત હતું તેવું લખતી વખતે એટલી સામાન્ય બુધ્ધિ ના પહોંચી કે કોંગ્રેસ પ્રેરિત કાંડમાં સરકાર ભાજપની હોવા છતાં તેમના તત્કાલીન મંત્રી માયા કોડનાની સમેત વીએચપી, બજરંગદળના લોકો ને સજા કેમ થઈ અને એકપણ કોંગ્રેસના નેતા પર તે અનુસંધાને એક પણ કેસ કેમ ના થયો? હાલ રામમંદિર અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભાઈચારો જાળવી રાખવાનું અને ઉજવણીઓ નહીં કરવાનું શાણપણ મોદીજીના કહેવાથી ભાજપે દેખાડ્યુ તે કારસેવકોના હાથમાં ત્રિશુળ પકડાવતી વખતે અને આખાય દેશમાં ધાર્મિક ઉન્માદ પેદા કરવા સોમનાથથી રામરથ લઈને નીકળતી વખતે ક્યાં ગયું હતું એનું વિશ્લેષણ કરવાનું સાહસ તો આ મોદીજીની પાદુકા સાચવતા લેખકો કેવી રીતે બતાવી શકે? ગુજરાતમાં થયેલા કોમી તોફાનો પાછળ કોનો દોરી સંચાર હતો અને આ સંચાલકો સત્તામાં આવ્યા બાદ કેમ હુલ્લડ બંધ થઈ ગયા આ બન્ને તથ્યો ને જોડો તો સત્ય સમજાય. પણ જુઠાણા જ ફેલાવીને સાહેબની ગુડબુકમાં રહેવાનું હોય તો સત્ય ક્યાંથી પચે ?

ગુજરાતની રાજકીય ગાથા લખવા જે ભાષા, શબ્દ અને પુર્વગ્રહયુક્ત દ્રષ્ટિકોણ રખાયો છે તે પણ નીંદનીય છે. કોંગ્રેસ સરકાર વખતે થયેલા આંદોલનો અને ધમાલો માટે જવાબદાર લોકો જ એની તસ્વીરોનો સહારો લઈ મોદીયુગને સુવર્ણયુગ સાબીત કરવા મથતા હોય તેવું સ્પષ્ટ થાય છે. જો એમ ના હોત તો સૌથી મોટો સત્તાકાંડ એવા ખજુરીયાકાંડનો પણ ઉલ્લેખ લેખકો કરતા. ભાજપના જ લોકો ભાજપના સીનીયર નેતાઓના ધોતીયા ખેંચતા અને જીવતા સળગાવી દેવાના હોય તેવી તસવીરોને પણ આ પુસ્તકમાં સ્થાન મળતું. કેશુભાઇ પટેલની પીઠ પાછળ રાજકીય ખંજર ભોંકનારા વિશે પણ વિધ્યાર્થીઓને અવગત કરાવતા. અટલજીના ” રાજ ધર્મ ” અંગેનુ એક પ્રકરણ પણ ઉમેરાતુ. પરંતુ આવા અનેક ભાજપી કરતુતોને નજરઅંદાજ કરી કોંગ્રેસ અને કોગ્રેસ નેતૃત્વને બદનામ કરી ભાજપને ઉજળા દેખાડવાનો પ્રયાસ ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડે કર્યો છે જે નરી નિર્લજજતા સિવાય કંઈ જ નથી.

મને તો એજ નથી સમજાતું કે ભાજપનો પ્રચાર કરવા ખુદ નરેન્દ્ર ભાઈ આકુળ વ્યાકુળ રહેતા હોય. ટીવી રેડીયો, મીડીયા સોશીયલ મીડીયા જેવા ટુલ્સનો ભરપૂર ઉપયોગ થતો હોય ત્યારે આવી પસ્તી પિરસવાની ભાવનાબેન દવે ને જરૂર કેમ પડી ? ભાઈ તમારી જોડે સંઘ અને સાધુ સાધ્વીઓનું ભાજપના એજન્ડા પર કામ કરતું આઉટ સોર્સીંગ છે, કેટલાક ચાંપલુસ લાભાર્થી અભિનેતાઓ અપદ્મશ્રી માટે કલમ ગીરવે મુકતા લેખકો અને પત્રકારો છે, બોલીવુડથી લઈને ભોજપુરી સુધીના ભવૈયાઓ છે તો ભાવનાબેને આ તસ્દી લેવાની જરૂર શું હતી ?વળી ભાજપના મુખપત્ર મનોગત, સાધના, વિશ્વ હીંદુ સમાચાર, પાંચજન્ય જેવા કેટલાય સામાયીકોતો ચાટુકારીતા માટે છપાય જ છે.

ટુંકમાં સમજીએ તો ગુજરાતના યુવાનોને કલેક્ટર કે ડોક્ટર એન્જીનીયર નહીં પણ ભાજપના ભક્ત બનાવવાનો એક તખ્તો શિક્ષણ સંસ્થાઓના માધ્યમથી ઘડાયો છે.પહેલા મુર્ખ બનાવો પછી ભક્ત તો એ આપોઆપ બની જશે એવી શ્રધ્ધાથી ભાજપ ધાર્મિક અંધશ્રદ્ધાની જેમ રાજકીય અંધશ્રદ્ધા ફેલાવવા વ્યસ્ત છે જેના મૂળમાં શિક્ષણનો અભાવ હોવાની પૂર્વશરત સંકળાયેલી છે. ભાજપ હાથમાં ડીગ્રી સાથેની નહીં તેઓ ઈચ્છે એમ ત્રિશૂળ પકડી લે તેવી યુવાપેઢી તૈયાર કરવા માંગે છે. ઈતિહાસ રચી નહીં શકનારા ઈતિહાસ ભુંસવા અને બદલવાનો પ્રયાસ કરી યુવાપેઢીને દેશની અસલ ઓળખથી દૂર કરવા માંગે છે. ભાજપ એજ ભારત નો એકમાત્ર મંત્ર યુવાનોના કાનમાં ફુંકવાનો આ પ્રયાસ નીંદનીય જ નહીં રાજકીય નફ્ફટાઈ છે. કોંગ્રેસના પ્રવક્તા તરીકે હું સરકારી ખર્ચ સરકારી સંસ્થાઓ દ્વારા થતાં આ શિક્ષણના ભગવાકરણની ઘોર નિંદા કરવાની સાથે સાથે આ પુસ્તકોને પરત ખેંચવાની માંગણી કોંગ્રેસના જયરાજસિંહ પરમારે કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x