IB રિપોર્ટથી વધી રૂપાણી સરકારની ચિંતા, મતદાતાઓ પરથી ઢીલી થઇ ભાજપની પકડ
અમદાવાદ
હાલ રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ફરીથી લેવાની માંગણી સાથે ગાંધીનગરમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે મોંઘવારી અને બેરોજગારીના કારણે યુવાનો નારાજ છે. તેવામાં રૂપાણી સરકાર માટે આંશિક ચિંતા ઉપજાવે તેવો રિપોર્ટ સ્ટેટ ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હાલ ચાલી રહેલા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ફરીથી લેવાની માંગણી સાથે શરૂ થયેલું બિન રાજકીય આંદોલન હવે રાજકીય બનવાની સાથે ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યું છે. જેના કારણે યુવાનોમાં સરકાર વિરૂદ્ધ રોષ વધી રહ્યો છે. આ સાથે શહેરી વિસ્તારમાં ભાજપ હવે વફાદાર મતદારો પરથી પકડ ગુમાવી રહ્યું છે.
શહેરી વિસ્તારમાં રહેતા લોકો ખાસ કરીને યુવા મતદારો અપૂરતી રોજગારી, હાલ ચાલી રહેલી મંદીના કારણે પરેશાન છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, યુવા વર્ગને હાલ રામ મંદિર, કાશ્મીરમાંથી 370 હટાવવાના મુદ્દે કોઈ રસ નથી, પરંતુ દેશમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ અને કથળી ગયેલ કાયદો અને વ્યવસ્થાને લઈને ઉગ્ર આક્રોશ છે.
બીજી તરફ હેલ્મેટના કાયદામાંથી મુક્તિ અને અન્ય યોજનાઓ પણ સરકારને પ્રજાના વિશ્વાસને પુરી રીતે જીતવા માટે સક્ષમ નથી બનાવતી, ત્યારે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ધારી સફળતા મળવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે, જે ભાજપ માટે પણ ચિંતાજનક બાબત છે.

			