ગાંધીનગરગુજરાત

ગુજરાત વિધાનસભા નો લાઇવ પ્રસારણ અંગે પરેશ ધાનાણીનો અધ્યક્ષને પત્ર

ગાંધીનગર
ગુજરાત વિધાનસભા ના લાઇવ પ્રસારણ ને લઈને ગુજરાત કોંગ્રસ ના વિપક્ષ ના નેતા પરેશ ધાનાણીએ કેટલાક લોકોની માંગણીઓ ને ધ્યાનમાં રાખીને એમના પ્રશ્નો ને લઈને વિધાનસભા અધ્યક્ષ ને પત્ર લખી માંગણીઓ મૂકી છે. માનનીય અધ્યક્ષ, વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનીધીઓ પોતાના મત વિસ્તાર કે રાજ્યના હિતમાં કેટલી અસરકારક રજુઆતો, ચર્ચાઓ કે માંગણીઓ કરે છે, તે જાણવાનો અને જોવાનો હક્ક રાજ્યના નાગરીકોને છે . થોડા વર્ષ પહેલાં સુધી ગુજરાત વિધાનસભામાં સરકારી અને ખાનગી ટી.વી. ચેનલ અને અખબારોના ફોટોગ્રાફરને કેમેરા સાથે પ્રવેશ આપવામાં આવતો હતો. તેમજ અંદાજપત્ર સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના ફ્લોર પર થોડા સમય માટે દરેક ખાનગી અને સરકારી ચેનલને પ્રોસીડીંગનું રેકોર્ડીંગ કરવા દેવામાં આવતું હતું. એટલું જ નહીં ગુજરાત વિધાનસભાની દિવસભરની કાર્યવાહી રેકર્ડ કરી ટી.વી. પર પ્રસારિત કરી શકાય એ માટેની પણ જોગવાઈ હતી. ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય એવી દરખાસ્ત મુકાઈ ત્યારે આ દરખાસ્તને તે સમયના સિનિયર પ્રધાન, પુર્વ અધ્યક્ષશ્રી અને ઉચ્ચ સંસદીય પ્રણાલીઓના જાણકાર સ્વર્ગસ્થશ્રી અશોકભાઈ ભટ્ટ સાહેબે સમર્થન આપ્યું હતું. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી જીવંત પ્રસારણ તો ઠીક પરંતુ ગુજરાત વિધાનસભાની કાર્યવાહીના કવરેજ માટે પણ પત્રકારોને કેમેરા પણ લઈ જવા દેવામાં આવતા નથી.
માત્ર લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં વિધાનસભાની કાર્યવાહી એડીટ કરીને બતાવવામાં આવે છે. ટી.વી. અખબારોના પત્રકારોને કેમેરા ન લઈ જવાનો નિર્ણય અને જીવંત પ્રસારણ કયા કારણોસર બંધ કરવામાં આવ્યું તે બાબતે અહીં ઉલ્લેખ કરવો અસ્થાને લાગે છે. આ માટેનું એક કારણ એ આપવામાં આવે છે કે વ્યવસ્થાના ભાગરૂપે, કોઈને અડચણ ન થાય એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોઈને તકલીફ ન પડે પરંતુ આવું કારણ માનવામાં આવે તેમ નથી કેમ કે અનુકૂળતા મુજબ ટીવી – મીડીયાના મિત્રોને કેમેરા સાથે સંકુલમાં પ્રવેશ આપવામાં આવે છે પરંતુ વિધાનસભાની કાર્યવાહી જીવંત બતાવી શકે તે માટે પ્રવેશ આપવામાં આવતો નથી. વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ અન્ય રાજ્યોમાં થાય છે તેવી રીતે ગુજરાતમાં પણ થાય તેવી વ્યવસ્થાના બદલે રાજયની વિધાનસભામાં થતી ચર્ચા, માંગણીઓ કે રજુઆતો પ્રજાએ ચૂંટીને વિધાનસભા ગૃહમાં મોકલેલ પ્રતિનિધિઓ શું કરે છે તે નાગરીકો જોઈ ન શકે તે વ્યાજબી જણાતું નથી.
તાજેતરમાં તો નામદાર સુપ્રીમ કોર્ટે પણ ધારાસભ્યોનું સંખ્યાબળ ગણવાનું હોય, ત્યારે જીવંત પ્રસારણ કરવાની ટકોર કરી છે. જીવંત પ્રસારણ થવાથી પ્રજાના પ્રતિનિધિઓ પોતાની ફરજ અને નાગરીકોના પ્રશ્નો પર વધુ ગંભીરપણે વિચારીને રજુઆતો કરશે, નાગરીકોના પ્રશ્નો પ્રત્યે વધુ ગંભીર બનશે તેના કારણે વિધાનસભામાં ચર્ચાનું સ્તર ઉચ્ચ કક્ષાનું થશે તે બાબતે કોઈ શંકા નથી. ગુજરાત અને ગુજરાતીઓ સંસદીય પ્રણાલીઓ અને ઈતિહાસ રચવા માટે આગવી ઓળખ ધરાવે છે ત્યારે ટેકનોલોજી અને સોશ્યલ મીડીયાના યુગમાં લોકસભા, રાજ્યસભા અને અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડની જેમ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ સહ વિનંતી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x