ગાંધીનગરગુજરાત

LRD મહિલા અનામત મામલો: ભાજપ-કોંગ્રેસે એક બીજા પર લગાવ્યા આરોપ

ગાંધીનગર
LRD પરીક્ષામાં અનામત મામલે રાજ્યમાં ચાલતા આંદોલન મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન કર્યુ છે. નીતિન પટેલે કહ્યું છે કે, હાઇકોર્ટના ચૂકાદા બાદ રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી કરશે. રાજ્યમાં ચાલતા આંદોલન મામલે નીતિન પટેલે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. જવાબમાં કોંગ્રેસે પણ પત્રકાર પરિષદ કરી પલટવાર કર્યો હતો. કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરી નીતિન પટેલને જવાબ આપતા સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે સરકાર પોતાના જ નેતાઓનો અવાજ બંધ કરવા માંગે છે.
નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, ‘અપીલ હાઇકોર્ટમાં ચાલી રહી છે, આ બાબત હાઇકોર્ટમાં વિચારાધીન છે, કોર્ટનો જે ચુકાદો આવે તે પ્રમાણે સરકાર આગળ કાયદાકીય કાર્યવાહી કરશે. સરકાર માટે બધા જ વર્ગો અનામત વર્ગ હોય કે બિન અનામત વર્ગ હોય, બક્ષિપંચ હોય, એસસી-એસટી હોય બધા જ ગુજરાતીઓ સરખા છે. બધાના લાભ માટે સરકારે અનામતની જોગવાઇઓ લાગુ કરી છે. અગાઉ જે આંદોલન થયુ હતું તે વખતે EWSની જોગવાઇઓ ભારત સરકારે 10 ટકા EWS એટલે કે આર્થિક રીતે પછાત વર્ગના યુવા-યુવતીઓ માટે ભારત સરકારે દાખલ કરી તેનો ગુજરાત સરકારે શિક્ષણ અને સરકારી નોકરીમાં અમલ શરૂ કરી દીધો છે.
ભાજપના જ ધારાસભ્ય-સંસદોએ અનામત મામલે સમર્થન આપ્યુ છે. આ મામલે નીતિન પટેલે કહ્યું, ‘કોઇએ ના કરવુ જોઇએ, જો હું તટસ્થતાથી કહીશ કોઇએ પણ આવુ ના કરવુ જોઇએ. દરેક વ્યક્તિ મંત્રી હોય, ધારાસભ્ય હોય કે સામાન્ય કાર્યકર હોય કે નાગરિક હોય કે ઉમેદવાર પોતે હોય. જેમણે નોકરી મળવાની આશા હોય તેમના આગેવાનો મારફતે, સમાજના આગેવાનો મારફતે સબંધિત મંત્રી સાથે, સબંધિત અધિકારીઓ સાથે અથવા મુખ્યમંત્રી સાથે મીટિંગ કરી તેમની લાગણી વ્યક્ત કરી શકે છે. કમનસીબે કેટલાક લોકો હું કોઇ પક્ષની વાત નથી કરતો, પોતાની જવાબદારી ઓછી કરવા, મે તો ભલામણ કરી દીધી, મારે કઇ કરવાનું નથી રહેતુ એમ પોતાની જવાબદારીમાંથી મુક્ત થવાનો કેટલાક લોકો પ્રયત્ન કરતા હોય તેવુ દેખાઇ રહ્યું છે.
નીતિન પટેલે કોંગ્રેસને આંદોલન માટે જવાબદાર ગણાવતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરી પલટવાર કર્યો હતો.અમિત ચાવડાએ કહ્યું કે, ‘સરકાર ઉમેદવારો સાથે ક્રૂર મજાક કરી રહી છે, LRDની ભરતીને માત્ર મજાક બનાવાઇ છે. મેરિટના નામે ભ્રષ્ટાચાર ચાલે છે. સરકાર પોતાના જ નેતાઓનો અવાજ બંધ કરવા માંગે છે, ભાજપના નેતાઓના અલગ-અલગ નિવેદનથી વર્ગ વિગ્રહ ઉભો થયો છે. ભાજપના નેતાઓ માત્ર નિવેદનથી જ સમાજને ગેરમાર્ગે દોરે છે.SC,ST અને OBC મહિલા ઉમેદવારોની માંગ મામલે સરકારે કોઇ કાર્યવાહી કરી નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x