22 માર્ચના રોજ સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ : વડાપ્રધાન મોદી
દિલ્હી :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે 8 કલાકે કોરોના વાયરસ મુદ્દે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ રહેશે, જનતા કર્ફ્યુ સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી રહેશે. 22 માર્ચના રોજ આપણો આ પ્રયત્ન, આપણા આત્મ- સયંમ, દેશહિતના કર્તવ્ય પાલનના સંકલ્પનું એક પ્રતીક રહેશે. 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુની સફળતા, આ અનુભવ, આપણી આવનારા પડકારો માટે પણ તૈયાર કરશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી આપણે સતત કોરોના વાયરસના સમાચારો દુનિયાભરમાંથી આવતા નિહાળી રહ્યા છે, સાંભળી રહ્યા છે. આ બે મહિનામાં આપણા દેશના નાગરિકોએ કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારીનો ડર્યા વગર સામનો કર્યો છે પરંતુ છેલ્લા ઘણા દિવસ એવું લાગી રહ્યું છે કે બધું જ સારું છે પરંતુ આ ઠીક નથી. અમે ઇચ્છીએ છીએ પ્રત્યેક ભારતવાસી જાગૃત રહે તે જરૂરી છે. અત્યાર સુધી વિજ્ઞાન પણ કોરોના વાયરસની બીમારીનો નિશ્ચિત ઉપાય શોધી શક્યું નથી અને ન કોઈ વેક્સીન શોધાઈ છે. એવામાં ચિંતા વધવી સ્વાભાવિક છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સાથિયો, મેં જયારે પણ તમારા પાસેથી માંગ્યું છે, તેમાં દેશવાસીઓએ ક્યારેય નિરાશ કર્યા નથી. આ આપના આશીર્વાદની તાકાત છે કે આપણા પ્રયાસ સફળ થઇ રહ્યા છે. હું આપ સૌ દેશવાસીઓ પાસે કંઈક નહીંને કંઈક માંગવા માટે આવ્યો છું. મને તમારૂ આવનારું અઠવાડિયું જોઈએ, આપનો આવનારો સમય જોઈએ.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ દેશોમાં શરૂઆતના દિવસમાં અચાનક બીમારીનો જેવી રીતે વિસ્ફોટ થયો તે રીતે કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. ભારત સરકાર દ્વારા આ સ્થિતિ પર ટ્રેક રેકોર્ડ રાખી રહી છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ વૈશ્વિક મહામારી સામે લડવા માટે બે મુખ્ય વાતની જરૂર છે, પહેલો સંકલ્પ અને બીજો સંયમ. આવી સ્થિતિમાં જયારે કોઈ બીમારીની દવા નથી ત્યારે આપણા પોતાના સ્વાસ્થ્યને ટકાવી રાખવું બહુ જ જરૂરી છે. આ બીમારીથી બચવા માટે અને પોતાને સ્વાસ્થ્ય રાખવા માટે અનિવાર્ય છે સંયમ. અને સંયમનો ઉપાય છે ભીડથી બચવું, ઘરથી બહાર ન નીકળવું જેને આજકાલ સોશિયલ ડિસ્ટર્ન્સિંગ કહેવામાં આવી રહ્યું છે. કોરોના વૈશ્વિક મહામારીના દોરમાં આ જરૂરી છે. આજે આપણે સૌએ સંકલ્પ લેવો પડશે કે આપણે સંક્રમિત થતા બચીશું અને લોકોને પણ બચાવીશું. આ વૈશ્વિક મહામારીમાં એક મંત્ર કામ કરે છે અને તે છે, “હમ સ્વસ્થ તો જગ સ્વસ્થ”
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મારો દેશવાસીઓને આગ્રહ છે કે આવનારા અઠવાડિયાઓ સુધી, બહુ જરૂરી હોય તો જ તમે ઘરની બહાર નિકળો. સંભવ હોય તેટલું પોતાનું કામ ઘરેથી કરવા વિનંતી કરું છું એ પછી ધંધા સાથે સંકળાયેલું હોય કે, ઓફિસ સાથે સંકળાયેલું હોય. આપ ઘરેથી જ કરો.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ રવિવારે એટલે કે 22 માર્ચના રોજ સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દેશના દરેક નાગરિકોએ જનતા કર્ફ્યુનું પાલન કરવાનું છે. આ દરમિયાન કોઈપણ નાગરિક ઘરની બહાર ન નીકળે. આ દિવસે હું તમારા તરફથી વધુ એક સહયોગ ઈચ્છી રહ્યો છું. છેલ્લા બે મહિનામાં લાખો લોકો હોસ્પિટલ, એરપોર્ટ, સફાઈ કર્મચારીઓ, એર લાઈન કર્મચારીઓ, મીડિયા કર્મચારીઓ, રેલવે, બસ, હોમ ડિલિવરી કરનારા લોકો પોતાના જીવની પર્યા કર્યા વગર સેવામાં લાગેલા છે. આજની પરિસ્થિતિ જોઈએ તો સામાન્ય કહી ન શકાય. આજે આ દરેક લોકોને પોતાના સંક્રમિત થવાનો ભય છે પરંતુ તેઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. આ કોરોના મહામારી અને તમારા વચ્ચે શક્તિ બનીને ઉભા છે. આ બધાનો આભાર વ્યક્ત કરો.
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, રવિવારે સાંજે 5 કલાકે પોતાના ઘરના દરવાજે, બાલ્કની, બારી અથવા દરવાજા પર ઉભા થઈ પાંચ મિનિટ સુધી થાળી વગાડી, ઢોલ વગાડી, તાળીઓ વગાડી આભાર વ્યક્ત કરો. આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે હોસ્પિટલ પર દબાણ વધારવું જોઈએ નહિ. આથી જ મારી દેશવાસીઓને અપીલ છે કે રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ જવાની જે આપણી આદત છે તેનાથી બચવું જોઈએ. બહુ જ જરૂરી લાગે તો ઓળખીતા ડોક્ટર પાસેથી ફોન પર સલાહ લ્યો. જો બહુ મેજર સર્જરી ન હોય અને તારીખ લીધી રાખી હોય તો તેને આગળ વધારો.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ વૈશ્વિક મહામારીની અસર અર્થ વ્યવસ્થા પર પણ પડી રહી છે. નાણા મંત્રીના નેતૃત્વમાં અમે ટાસ્ક ફોર્સનું નિર્માણ કર્યું છે. સંકટમાં સમયમાં મારી દેશના દરેક નાગરિકોને, વેપારી જગતને, ઉચ્ચ આવક ધરાવતા વર્ગોને અપીલ છે કે સંભવ હોય તો જે જે લોકો સેવાઓ લઇ રહ્યા છે, તેમના આર્થિક હિતોનું ધ્યાન રાખે. હું દેશવાસીઓને આ વાત માટે વિશ્વાસ આપી રહ્યો છું કે, દેશમાં ખાવા-પીવાની વસ્તુઓ, દવાઓ, જીવન જરૂરી વસ્તુઓની ખોટ ન સર્જાય તે માટે તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં, 130 કરોડ ભારતીયોએ, દેશના દરેક નાગરિકોએ, દેશ સામે આવેલા સંકટને પોતાનું સંકટ માનીને લડી રહ્યા છે. ભારત માટે, સમાજ માટે જે તેમને કરવું પડ્યું છે તે દરેક વસ્તુઓ કરી છે. મને વિશ્વાસ છે કે, આવનારા દિવસોમાં પણ તમે પોતાના કર્તવ્યો, પોતાના દાયિત્વનું પાલન કરતા રહેશો. હું માની રહ્યો છું કે આવા સમયમાં કઠણાઈઓ આવી શકે છે, આશંકાઓ અને અફવાઓનું પણ વાતાવરણ પેદા થાય છે.
વડાપ્રધાન મોદીએ સંબોધનના અંતમાં જણાવ્યું હતું કે, થોડા દિવસમાં નવરાત્રીનું પર્વ આવી રહ્યું છે, આ શક્તિ ઉપાસનાનું પર્વ છે. ભારત પુરી શક્તિ સાથે આગળ વધારે તે મારી શુભકામનાઓ છે.