સરપંચોને PI કરતા પણ વધારે પાવર અપાયો, બહાર નિકળ્યાં તો સીધા જેલમાં જશો.
સુરત :
સમગ્ર રાજ્યમાં હાલ લોકડાઉનની સ્થિતી છે. શહેરોમાં પોલીસ સજ્જડ બંધ પાળી રહી છે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ પહોંચી વળતી નથી. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં જાગૃતી પણ ઓછી હોય છે. જેના કારણે લોકો બહાર નિકળી રહ્યા છે. આ ઉપરાંત શહેરોમાંથી મોટા પ્રમાણમાં નાગરિકો ગામમાં પરત ફરી ચુક્યા છે. એવામાં ગામોમાં પણ કોરોના મોટા પ્રમાણમાં ફેલાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જેના કારણે હવે પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.
સુરત પોલીસ દ્વારા ગામના સરપંચને સુપર પાવર બનાવવામાં આવ્યા છે. ગામના સંરપંચને રાખીને વ્હોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં સુરત જિલ્લાનાં તમામ સરપંચોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રેન્જ આઈ.જી દ્વારા સરપંચોને એસપી જેટલો પાવર આપવામાં આવ્યો છે. તેઓ જેની પણ વિરુદ્ધ કાર્યવાહી કરવા ઇચ્છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. તેઓ જેની તસ્વીર પોલીસને મોકલી આપશે તેની વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરપંચ દ્વારા 550 થી વધારે લોકડાઉનનાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યા છે. 2000 થી વધારે વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં અત્યાર સુધીનાં 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં કડક લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. સુરત શહેર પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં જિલ્લા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી પણ અત્યાર સુધીમાં 19 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જો કે સરપંચને SP જેટલો પાવર મળવાને કારણે હવે કડક કાર્યવાહી થાય તેવી શક્યતા છે.