ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

મોલ સિવાયની છૂટક દુકાનો આજથી ખોલવા ગૃહ મંત્રાલયની મંજૂરી.

નવી દિલ્હી :
દેશભરમાં ગઇ તા. 24મી માર્ચથી લદાયેલા અને તે પછી 14 એપ્રિલથી તા. ત્રીજી મે સુધી લંબાવાયેલાં લોકડાઉનને કારણે દેશભરમાં બંધ પડેલી દુકાનો શનિવારથી ફરી ધમધમી ઉઠશે. શુક્રવારે મોડી રાત્રીના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લોક ડાઉન માં છૂટછાટ આપતો વધુ એક પરિપત્ર બહાર પાડ્યો છે. હજુ થોડા દિવસો પેહલા ઇલેક્ટ્રિક પંખા તથા વિદ્યાર્થીઓ માટે પુસ્તકો વહેંચતી દુકાનો ખુલી રાખવા માટે ની છૂટ આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે મોડી રાતે એક સૂચના પ્રગટ કરી મલ્ટી બ્રાન્ડ મોલ અને સિંગલ બ્રાન્ડ મોલ સિવાયની તમામ છૂટક દુકાનોને ખોલવાની મંજૂરી આપી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોધાયેલી, માર્કેટ કોમ્પ્લેક્સ અને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનો ખોલવાની મંજૂરી આપતો હુકમ શુક્રવારે રાતે પ્રગટ કર્યો હતો. જોકે,આ હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે મલ્ટી બ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલ શરૂ કરી શકાશે નહીં. કોઇ મોલમાં આવેલી તમામ દુકાનો હજુ પણ બંધ જ રહેશે.

આ દુકાનોમાં 50 ટકા એટલે કે અડધા સ્ટાફને હાજર રાખીને કામકાજ કરી શકાશે. તમામ દુકાનોમાં સ્ટાફ તથા ગ્રાહકોએ ફરજિયાત માસ્ક પહેરવાના રહેશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટસિંગને લગતા તમામ નીતિનિયમો અચૂક જાળવવાના રહેશે. જોકે, હોટસ્પોટ વિસ્તારો તથા કન્ટેઇમેન્ટ ઝોનમાં આ છૂટછાટો લાગુ પડશે નહીં.

મ્યુનિ. વિસ્તારોમાં માર્કેટ કોમ્પ્લેક્સ નહીં ખુલે
ગૃહ મંત્રાલયના દુકાનો ખોલવાને લગતા ઓર્ડરમાં એક મહત્વની શરત મૂકવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટી વિસ્તારોમાં માર્કેટ કોમ્પ્લેક્સની દુકાનો ખોલવા હજુ મંજૂરી અપાઇ નથી પરંતુ ઘરની આસપાસ આવેલી તથા રેસિડેન્શિયલ કોમ્પલેક્સની તથા એકલદોકલ છૂટીછવાઇ દુકાનો ખોલવા મંજૂરી અપાઇ છે. જયારે મ્યુનિ. હદની બહાર માર્કેટ કોમ્પ્લેક્સમાં પણ દુકાનો ખોલવા મંજૂરી આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x