આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

એરપોર્ટને તાળાબંધી કરી હોત તો દેશને લોકડાઉનનો સામનો કરવાની નોબત ના આવી હોત : પરેશ ધાનાણી

ગાંધીનગર :
ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખીને કોરોનાવાયરસ અને લોક ડાઉન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા. શ્રી ધાનાણીએ લખેલ પત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં બેકાબુ બનેલ કોવીડ-૧૯ મહામારી અંગે નિષ્ણાત તબીબો, ગુજરાત માટે ચિંતિત નાગરીકો અને મીડીયાના મીત્રો સાથે કરેલી વાતચીત અંગે ગુજરાતની જનતાના હિત માટે કેટલીક બાબતો આપશ્રી પાસેથી સ્પષ્ટતા જરૂરી જણાતી હોય આ પત્રથી આપની સમક્ષ એ ઉપસ્થિત કરું છું. આશા છે સાડા છ કરોડ ગુજરાતીઓ સમક્ષ આપ સચ્ચાઈ સ્વીકારવાની ક્ષમતા રાખશો અને વિષમ પરિસ્થિતિનો સામનો કરી રહેલ પ્રજાને પારદર્શક ખુલાસો આપશો. આપના કેન્દ્રીય નેતાઓ, પક્ષ અને આપના માટે હાલનું કોવીડ-૧૯ સંક્રમણ કોમવાદ ફેલાવી રાજકીય ધ્રુવીકરણ મારફતે ફાયદો લેવા માટે અનુકુળ હશે. પરંતુ કોંગ્રેસ માટે દેશના નાગરિકોની સુખાકારી એ સર્વોપરી અને બીનસમાધાનપાત્ર છે, હંમેશા રહેલ છે અને હંમેશા રહેશે. તેથી જ આ મહામારી સામેની લડતમાં અમે દરેક સ્તરે સરકારની સાથે રહ્યા છીએ જે સર્વવિદીત છે.
ચીનના વુહાનમાં ૧લી ડીસેમ્બર-૨૦૧૯ના કોરોનાનો પ્રથમ કેસ નોંધાયેલ. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના અંગે માર્ગદર્શિકા જાહેર કરેલ અને ત્યારબાદ મહામારી જાહેર કરેલ તેમજ માનનીયશ્રી રાહુલ ગાંધીએ તા. ૧૨-૧-૨૦૨૦ના ટ્વીટ કરીને કોરોના વાયરસ આપણા લોકો અને અર્થતંત્ર માટે ગંભીર જોખમ છે અને સરકાર આ જોખમને ગંભીરતાથી નથી લઈ રહી તેવું કહેલ. ફરીથી તા. ૩-૩-૨૦૨૦ના રોજ માનનીયશ્રી રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, આ આપત્તિ સામે લડવા માટે એક નક્કર એકશન પ્લાનની જરૂર છે. વિદેશમાંથી દેશમાં કોરોના પ્રવેશી ચુકયો હોવા છતાં કોરોના સામે લડવા માટે સરકાર દ્વારા નક્કર પગલાંઓ લેવાને બદલે તા. ૨૪-૨-૨૦૨૦ના અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો, રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમ માટે ભેગી કરેલી લાખો લોકોની ભીડ અને કાર્યક્રમમાં વિદેશથી આવેલ અન્ય નાગરિકોના કારણે આજે ગુજરાતમાં અમદાવાદ સહિત અન્ય જીલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું. જો સરકાર જાન્યુઆરીથી જાગૃત રહી હોત તો દેશ અને ગુજરાતની પ્રજાને હાલમાં ભોગવવી પડતી મુશ્કેલીઓ અને તકલીફ ન ભોગવવી પડત.
શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાના વિપક્ષ તરીકે અમોએ તા. ૧૬-૩-૨૦૨૦ના કોવીડ-૧૯ના સંક્રમણને ધ્યાનમાં લઈ વિધાનસભાને મોકુફ રાખવા માંગણી કરી હતી તેમ છતાં તા. ૨૪-૩-૨૦૨૦ સુધી ગૃહ ચાલુ રાખવામાં આવ્યું તેમજ રાજ્યમાં વાહનવ્યવહાર અને વિમાની સહીતની આવાગમન સેવાઓ બેરોકટોક ચાલવા દેવામાં આવી. ઉપરાંત તા. ૨૩-૨૪ માર્ચ સુધી ગુજરાતમાં ચાલુ રહેલી વિધાનસભા અને દેશની લોકસભા-રાજ્યસભા અને અન્ય રાજ્યોની વિધાનસભા ચાલુ રહી, અન્ય સરકારી કાર્યક્રમો યોજવાનું ચાલુ રહ્યું, રાજ્યસભા ચૂંટણીમાં તડજોડ, મધ્યપ્રદેશમાં શપથવિધિ સહિતના રાજકીય કાર્યક્રમો રાજકીય લાભો લેવા યોજાયા.
શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાનો પહેલો કેસ તા. ૩૦-૧-૨૦૨૦ના રોજ નોંધાયા બાદ દેશમાં અને ગુજરાતમાં જાન્યુઆરી-૨૦૨૦થી જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને તાળાબંધી કરી હોત તો સમગ્ર દેશને લોકડાઉનનો સામનો કરવાની નોબત ના આવી હોત, પરંતુ ૧ જાન્યુઆરી, ૨૦૨૦થી ૨૨ માર્ચ, ૨૦૨૦ સુધીમાં કુલ મળીને કેટલા સ્થાનિક, એન.આર.આઈ. અને વિદેશી પ્રવાસીઓને ભારતમાં પ્રવેશ આપવામાં આવ્યા, તે પૈકી કેટલાની કયા પ્રકારની આરોગ્ય ચકાસણી કરવામાં આવી, તે ઉપરાંત ભારત સરકારના વિદેશ સચિવે તમામ રાજ્યોને લખેલ પત્ર મુજબ બે મહિનામાં વિદેશમાંથી દેશમાં ૧૫ લાખ લોકો આવ્યા તે પૈકી ગુજરાતમાં કેટલા લોકો વિદેશથી આવ્યા, તે પૈકી કેટલાની આરોગ્ય ચકાસણી કરવામાં આવી અને કેટલાને આરોગ્ય ચકાસણી કર્યા વગર જવા દેવામાં આવ્યા તેની વિગતો જાહેર કરવી જોઈએ.
કોરોના વૈશ્વિક મહામારીથી પીડિત સમગ્ર દેશમાં ગુજરાત બીજા નંબરે હોટસ્પોટ તરીકે ઉભરી રહયું છે અને ૨૨ માર્ચના જનતા કર્ફયુથી શરુ કરીને આજપર્યંત સળંગ અને સખત લોકડાઉનની વચ્ચે જનતા અને વિપક્ષના સમર્થન છતાંય રાજ્યમાં કથળી ગયેલ આરોગ્ય સેવાઓના કારણે કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે અને આજપર્યંત ૪૮૩૧૫ જેટલા ખૂબ ઓછા સેમ્પલ સર્વે કર્યા હોવા છતાંય ૩૦૭૧ જેટલા લોકો કોરોનાના સંક્રમણથી પોઝીટીવ બની ચુક્યા છે, ૧૩૩ લોકો મોતના મુખમાં હોમાઈ ચુક્યા છે ત્યારે સતત ૩૭ દિવસના સળંગ લોકડાઉન દરમિયાન સખ્તાઈપુર્વકના સરકારી દમન વચ્ચે સમગ્ર દેશ સહિત ગરવા ગુજરાતીઓએ તાળી પાડી, થાળી વગાડી અને દિવડા કર્યા પછી પણ નોંધાયેલા અને વણનોંધાયેલા લાખો લોકોને કોરોનાનાં સંક્રમણથી બચાવવામાં સરકાર કેમ નિષ્ફળ નિવડી છે ? તેવો સ્વાભાવિક સવાલ જનતાના મનમાં ઉદભવી રહયો છે.
કોરોના પર કાબુ મેળવવા મહત્તમ માત્રામાં ટેસ્ટીંગ થાય, પોઝીટીવ આવેલ દર્દીની સારવાર થાય અને તેની આસપાસના વિસ્તારોમાં અન્ય નાગરીકો સંક્રમીત ન થાય તે માટે વિશ્વમાં મોટાપાયે ટેસ્ટીંગ થાય છે. જેમ કે અમેરીકામાં ૪૮.૮૦ લાખ, ઈટાલીમાં ૧૭.૧૦ લાખ, તુર્કીમાં ૮.૬૮ લાખ, સાઉથ કોરીયામાં ૫.૯૫ લાખ ટેસ્ટીંગ થયા છે, જ્યારે ભારતમાં માંડ ૫.૭૯ લાખ જ ટેસ્ટીંગ થયા છે. વિશ્વની સરખામણીએ ભારતમાં અને ગુજરાતમાં કેમ ઓછા સેમ્પલ ટેસ્ટીંગ થઈ રહ્યા છે ? ભારતમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાના દર્દીઓમાં ઉંચા મૃત્યુ દર માટે રાજ્યમાં નબળી ગુણવત્તાની આરોગ્ય સેવાઓ, અપુરતા ડોકટરો, મેડીકલ-પેરામેડીકલ સ્ટાફની ઘટ, આધુનિક સાધનોની ઉણપ વગેરે જેવા કારણો જવાબદાર છે. પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થાય છે ત્યારે જ સેમ્પલ સર્વેની ગતિ ધીમી પાડી દેવામાં આવી છે તે કોરોનામાં ગુજરાત નંબર-૧ ન આવે તે માટે કરવામાં આવી હોય તેવી શંકા ઉપજાવે છે.
આજે સમગ્ર દેશમાં ગુજરાત બીજા નંબરે હોટ સ્પોટ તરીકે કોરોનાના પોઝિટિવ કેસોથી ઊભરી રહ્યું છે ત્યારે ચકાસણી, નિદાન અને સારવાર વધારવાના બદલે લાખો સંક્રમિત લોકોને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા છે. આજ પર્યત કોરોનાને હરાવવામાં નિષ્ફળ નિવડેલી સરકાર ખુદ હવે કોમવાદને ભડકાવી અને લાખો લોકોને મોતના મોંમા ધકેલી રહી છે તેવામાં લોકડાઉન હળવું કરવામાં આવ્યું. લોકડાઉન હળવું થવાથી કેસોની સંખ્યા વધવાની છે તે સામાન્ય માણસ પણ સમજે છે ત્યારે સરકારનો લોકડાઉન હળવો કરવા પાછળનો ઉદ્દેશ સમજી શકાતો નથી.
“આપની જાણકારી મુજબ તો તબલીગી જમાતના મેળાવડાને લીધે ગુજરાત અને દેશભરમાં કોરોના ફેલાયો” હોય તો આ જમાતના મેળાવડા પહેલાથી જ કોરોનાની ગંભીરતા બાબતે સરકાર સજાગ હતી તો કેન્દ્ર સરકારના તાબા હેઠળની દિલ્હી પોલીસ તથા વહીવટતંત્રએ આ મેળાવડા માટે મંજૂરી કેમ આપી ? વિદેશથી કાર્યક્રમમાં સામેલ થવા આવનારાઓને વીઝા કેમ આપવામાં આવ્યા ? કાર્યક્રમ પુરો થયા બાદ જમાતીઓને ટેસ્ટીંગ કરીને કોરોન્ટાઇન કરવાના બદલે ત્યાંથી પોતપોતાના રાજ્યોમાં જવાની છુટ કેમ આપવામાં આવી ? જો નિઝામુદ્દીનનો એક મેળાવડો મહામારીના ફેલાવા માટે જવાબદાર હોય તો તેટલા જ જવાબદાર તા. ૨૪ ફેબ્રુઆરીના અમદાવાદના મેળાવડાથી શરુ કરીને અન્ય તમામ કાર્યક્રમો પણ તેટલા જ જવાબદાર છે. કમનસીબે ભાજપ આ પીડાજનક મહામારીમાં પણ રાજકીય લાભ શોધી રહ્યું છે એટલું જ નહીં દેશ અને ગુજરાતનું સામાજિક સોહાર્દ પણ અનાવશ્યક ઉશ્કેરણીઓ થકી જોખમમાં મુકાઈ રહ્યું છે જે અતિ દુ:ખદ હકીકત છે.
કોરોનાથી બચવા માટે સલામત અંતર એ જ મંત્ર હોવાનું નાગરિકો જાણતા હોવાથી, કોરોનાને કાબુમાં લેવાના કડક નિર્ણયોમાં નાગરિકો અને વિપક્ષે પણ સહકાર અને સાથ આપ્યો, લોકડાઉનના સમયે દેશ અને રાજ્યના નાગરિકોએ આર્થિક-સામાજીક નુકસાન ભોગવ્યા, માનસિક યાતનાઓ વેઠી, ધંધા-રોજગાર બંધ થયા, ભૂખમરો વેઠ્યા પછી સરકાર કોરોનાના આંકડાઓ છુપાવી રહી છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર અને સુરત મ્યુનિસિપલ કમિશ્નરે દહેશત વ્યકત કરી છે કે કોરોનાના દર્દીઓ ભવિષ્યમાં હજારો અને લાખોની સંખ્યામાં થશે તેનો મતલબ કે હાલ ગુજરાતમાં લાખો લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાની શંકા ઉપજાવે છે અને કોરોનાના બોંબે ફાટીને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનું બહાનું શોધી રહી છે, લોકડાઉન હળવું કરીને પાણી પહેલા પાળ બાંધવાનું આભાસી ચિત્ર ઉભું કરવામાં આવ્યું હોય તેમ લાગે છે.
કોરોનાની અસર ધરાવતા દર્દીઓની સંખ્યામાં સમગ્ર દેશભરમાં ગુજરાત બીજા નંબરે છે અને તે સંખ્યા વધતી જ જાય છે ત્યારે ટેસ્ટીંગની સુવિધા વધારવાના બદલે આંકડાઓ છુપાવવા ટેસ્ટીંગ ઘટાડવામાં આવ્યા છે, લોકડાઉનમાં છુટછાટો જાહેર કરેલ છે જે નિર્ણય મેડીકલ કે સાયન્ટીફીક કારણો આધારીત જણાતો નથી પરંતુ સરકાર પોતાની નિષ્ફળતાઓ ધરાર છુપાવવા અથવા પ્રજા ઉપર ઢોળી દેવાના રાજકીય બદઇરાદા સાથેનો કારસો રચતી હોય તેવું જણાય છે. લોકડાઉનમાં છુટછાટના કારણે લોકો બહાર નીકળશે, ભીડ થશે, સામાજીક અંતર જળવાશે નહીં. લોકડાઉનની છુટછાટની શરૂઆતે અનાયાસે રમઝાન માસ છે ત્યારે રમઝાનના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું છે તેવા બહાના હેઠળ કોમવાદી હથિયારને ધાર કાઢવાનુ સરકારી ષડયંત્ર તો નથી રચાયું ને તેવો સીધો સવાલ હવે સામાન્ય માણસનાં મનમાં ઉદભવી રહ્યો છે.
હાલ સમગ્ર ભારત સહિત ગુજરાતમાં લોકડાઉનને કારણે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને નફાખોરી, કાળા બજારી, મોંઘવારી સહિત બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે તથા શ્રમિકો, ખેડૂતો અને વેપારીઓ સહિત નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગોને ભારે મોટું નુકશાન વેઠવું પડ્યું છે ત્યારે વૈશ્વિક મહામારી સામે સામાન્ય માણસને ભગવાન ભરોસે છોડવાનો નિર્ણય કદાચ તબલીગી જમાત કરતાંયે વધુ તુઘલખી શાસકોની નિષ્ફળતાઓને ઉજાગર કરનારો નીવડશે એવું લાગી રહ્યું છે. ભવિષ્યમાં જો લોકો મોતના મુખમાં ધકેલાઈ જશે તો તેના માટે માત્ર અને માત્ર કોમવાદી કોરોનાની જનક એવી ભાજપ સરકાર જવાબદાર ઠરશે, માટે આ અંગે આપની કક્ષાએથી પુખ્ત વિચારણાના અંતે સલામત સામાજીક અંતર જળવાય તેમ તબક્કાવાર યોગ્ય નિર્ણય લેવાય એવી રાજ્યના હિતમાં અપેક્ષા રાખું છું.
શ્રી ધાનાણીએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ઉપરના તમામ મુદ્દાઓ અંગે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ. તદઉપરાંત માંગણી કરી હતી કે ઉપર જણાવેલ તમામ મુદ્દાઓને આવરી લેતો એક સ્વયંસ્પષ્ટ શ્વેતપત્ર સરકાર વિના વિલંબે પ્રસિદ્ધ કરીને કોવીડ-૧૯ મહામારીને નાથવા તથા લોકડાઉનને લીધે ઊભી થયેલ અત્યંત વિષમ અને દયનીય આર્થિક પરિસ્થિતિમાં સામાન્ય પ્રજાજનોને મદદરુપ થવા અને લોકડાઉનના કારણે નાગરિકોને ઉભી થયેલ મુશ્કેલીઓ અંગે તથા આગળ લેવા ધારેલ વહીવટી પગલાંઓથી ગુજરાતની જનતાને અવગત કરવામાં આવે તેઓને પક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x