ગાંધીનગરગુજરાત

લોકડાઉનનો વધુ ચુસ્ત અમલ કરાશે : કોરોના મહામારીની લાંબી લડાઈ સામે એક માત્ર હથિયાર : DGP શ્રી શિવાનંદ ઝા

ગાંધીનગર :
રાજ્યના પોલીસવડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે લોકડાઉનનો આ અંતિમ તબક્કો ખૂબ નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે ત્યારે કોરોના સંક્રમણથી બચવા માટે સાવચેતી જ એકમાત્ર સાચું હથિયાર બની રહેશે. આ મહામારીની લડાઈ લાંબી છે ત્યારે સંક્રમિત વિસ્તારોમાં વધુ સર્વેલન્સ હાથ ધરવા પોલીસકર્મીઓને ચોક્કસ દિશા-નિર્દેશો આપી દેવાયા છે.

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે તેની વિગતો આપતાં શ્રી ઝાએ કહ્યું કે, લોકડાઉનના અમલ દરમિયાન જે દુકાનોને ખોલવાની છુટછાટ આપવામાં આવી છે ત્યાં યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે કે કેમ તે અંગે પોલીસ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પાન, મસાલા, ચા- નાસ્તા, રેસ્ટોરન્ટ, હેર કટિંગ જેવી દુકાનોને ખોલવા પર પ્રતિબંધ છે, તેમ છતાં જો આવી દુકાનો ખોલવામાં આવી હશે તો દુકાનદારો તથા ત્યાં એકત્ર થયેલા ગ્રાહકો પર પણ કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે. લોકડાઉનના ચુસ્ત અમલ માટે ખાસ તકેદારી રખાશે અને આવું ધ્યાને આવશે તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને વાહનો પણ જપ્ત કરાશે.

શ્રી ઝાએ કહ્યું કે, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે અમુક વિસ્તારોમાં આવન-જાવન પર પ્રતિબંધ સહિત કેટલાક બ્રિજ પણ બંધ કરાયા છે તેમાં નાગરિકો તંત્રને સહયોગ આપે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવે તે જરૂરી છે. નાગરિકો જીવનજરૂરી ચીજ-વસ્તુઓ ખરીદી માટે દરરોજ બહાર ન આવતા બે-ત્રણ દિવસે બહાર નીકળીને જરૂરી સામગ્રી ખરીદે તે જરૂરી છે. લોકડાઉનના ભંગ અંગે નાગરિકોને જાણ થાય તો તુરંત જ ૧૦૦ નંબર પર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરશે તો પોલીસ કાર્યવાહી કરશે.
પોલીસ, આરોગ્ય કર્મચારી અને અન્ય કોઈ સરકારી કર્મચારી પર હુમલો કરનારા સામે કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા શ્રી ઝાએ જણાવ્યું કે, અમરેલીના સાવરકુંડલા વિસ્તારમાં ગત તા. ૫ એપ્રિલના રોજ પોલીસ જવાન પર હુમલા અંગેના નોંધાયેલા બે ગુનાઓમાં આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે અન્ય એક ગુનામાં નવસારી જિલ્લામાં ગત તા. ૯ એપ્રિલના રોજ પોલીસ જવાન પર હુમલો કરનારા શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયો છે. આમ, અત્યાર સુધીમાં રાજ્યમાં આ પ્રકારના ૧૫ ગુનામાં કુલ ૩૮ લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

શ્રી ઝાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૨૮૩ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૯૧૯૩ ગુના દાખલ કરીને ૧૮,૨૧૪ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૬૯ ગુના નોંધીને ૭૫ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૧૭૬૦ ગુના નોંધીને ૨૭૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

શ્રી ઝાએ કહ્યું કે, રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે ૨૦ ગુનામાં ૩૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં ૩૧૧ ગુનામાં કુલ ૫૩૭ લોકોની અટકાયત કરવામાં આવી છે.

આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં ૨૫ ગુનાની સાથે અત્યાર સુધીમાં ૫૦૪ ગુના દાખલ કરીને ૧૦૧૧ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા વધુ ૧૩ એકાઉન્ટ્સ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ દ્વારા વિડિયોગ્રાફી મારફત ગઈકાલના ૮૬ ગુના સહિત અત્યાર સુધીમાં કુલ ૯૯ ગુના નોંધવામાં આવ્યા છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) દ્વારા ગઈકાલના ૫૮ સહિત આજદિન સુધીમાં કુલ ૫૯૫ ગુના દાખલ કરવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ૪૩ ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આજદિન સુધીમાં ૩૭૭ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા જોવા જઈએ તો, ગઈ કાલથી આજ સુધીના કુલ ૨૫૬૯ કિસ્સા, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) ૯૯૧ તથા ૪૩૦ અન્ય ગુના (રાયોટિંગ/Disaster Management Actના) અંતર્ગત ૪૯૪૫ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ૮૪૧૨ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે ગતરોજ સુધીમાં ૫૧૭૮ અને અત્યાર સુધીમાં ૧,૨૦,૧૨૮ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x