યુનિ. કોલેજોની પરીક્ષા-પરિણામ જુલાઈમાં, ઓગસ્ટમાં નવું સત્ર શરૂ કરવાની દિશામાં વિચારણા.
અમદાવાદ :
ગુજરાતની યુનિવર્સિટી સહિત તમામ યુનિવર્સિટીઝ દ્વારાકોલેજની પરીક્ષા, પરિણામ અને નવું સત્ર ચાલુ કરવા માટેની કાર્યવાહી પૂરજોશમાં શરૂ કરવામાં આવી રહી છે. જેમાં કોલેજની બાકી રહેલી પરીક્ષાઓનો સમયગાળો ઘટાડી અગાઉની પરીક્ષાના ઇન્ટરનલ માર્કના આધારે પરિણામ તૈયાર કરવાની સાથે જુલાઈ મહિનામાં આ પરીક્ષા અને પરિણામની પ્રક્રિયા પુરી કરી ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં જ કોલેજનું નવું સત્ર શરૂ કરવામાં આવી શકે છે.
યુજીસીની ખાસ સમિતિના સૂચનો અને ભલામણોને આધારે બદલાવ
દેશમાં લાગુ લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ તેની અસર થઈ છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખતા યુજીસીએ આ માટે બનાવેલી ખાસ સમિતિ એ પણ અલગ અલગ સૂચનો અને ભલામણોને આધારે બદલાવ માટેના કેટલાંક સૂચનો આપ્યા છે. જેમાં વિદ્યાર્થીઓનું માર્કિંગ આંતરિક (ઈન્ટરનલ) મૂલ્યાંકનના આધારે કરવું, પરીક્ષાનો સમયગાળો 3 કલાકથી ઘટાડીને 2 કલાકનો કરવાના સૂચનનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ એક બેઠકમાં પરીક્ષા અને નવા સત્ર મુદ્દે ચર્ચા કરી
તાજેતરમાં જ આ મામલે યોજાયેલી એક બેઠકમાં કેન્દ્રના એચઆર.ડી મંત્રી એ પણ કોલેજની પરીક્ષા તારીખ 1 જુલાઈથી અને ઓગસ્ટ મહિનામાં નવું સત્ર શરૂ કરવાની ચર્ચા કરી હતી. તેનો મતલબ એ થાય છે કે ઓગસ્ટ મહિનાથી કોલેજ ખુલી શકે છે. કોલેજ લેવલની પરીક્ષા 1 જુલાઈથી થશે અને જુલાઈના અંત સુધીમાં તેના પરિણામ જાહેર કરવાના પ્રયાસ કરવામાં આવશે કે જેથી ઓગસ્ટ મહિનામાં નવું સત્ર શરૂ થઈ શકે.