ગાંધીનગરની દરેક પ્રા.શાળાના બ્લેકબોર્ડ પર PM, CMના નામ લખાઈ ગયા
ગાંધીનગર
જિલ્લાની પ્રાથમિક શાળામાં ગુણોત્સવનો છેલ્લો દિવસ હતો. મંગળવારે અંબોડ ગામની શાળામાં વિધાનસભાના ઉપાધ્યક્ષે રાજ્યના મુખ્યમંત્રીનું નામ પૂછ્યું તેના જવાબમાં બાળકે નરેન્દ્ર મોદી કહ્યું હતું અને આ વાતને દિવ્ય ભાસ્કરે ગંભીર ગણીને તેને પ્રસિદ્ધિ આપી હતી. બુધવારે ગુણોત્સવના છેલ્લા દિવસે તેનો પડઘો પડેલો જોવાયો હતો અને દરેક શાળામાં બ્લેકબોર્ડ પર વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ સહિતના હોદ્દા એને તેમની સામે નામ લખેલા જોવા મળ્યાં હતાં.
ગાંધીનગરમાં જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવમાં ધારાસભ્યથી લઇને અધિકારીઓ શાળામાં બાળકોના શિક્ષણનું મુલ્યાંકન કરી રહ્યાં છે. તેમાં ઘણી સ્કૂલોમાં બાળકોને વાંચતા અને લખવામાં મુશ્કેલી પડતી હોય તેવું સામે આવ્યું છે. બુધવારે સવારે સેકટર 24ની સરકારી પ્રાથમિક શાળામાં બાળકો ગણીતના સામાન્ય આંકડાઓ વાંચી શક્યા ન હતાં.ધોરણ 2માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને મહાનગપાલિકાના લીગલ ઓફિસર અને શાસનાધિકારીએ બોલવા માટે ઉભી કરી હતી.
પરંતુ તેને 59ના આંકડાને વાંચવામાં તકલીફ પડી હતી.ગુણોત્સવમાં આવેલા મહાનગરપાલિકાના લીગલ ઓફિસર ધનંજય રાણે અને સાશનાધિકારી નિપાબેન પટેલ સેકટર 24માં આવેલી સાર્વજનિક સ્કૂલમાં બાળકોનું મુલ્યાંકન કરવા બુધવારે પહોંચ્યા હતાં. તમામ ક્લાસરૂમમાં બાળકોના વિવિધ પ્રશ્નો પુછ્યાં હતાં. ધોરણ 2માં અભ્યાસ કરતાં બાળકોને ગુજરાતી અને ગણીત વિષયમાં જુદા જુદા પ્રશ્નો કર્યાં હતાં.
પરંતુ સળંગ વાક્ય અને બે આંકડા વાંચવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. જ્યારે બાળકોને તેમના નામ લખવા તેમણે કહ્યું તો બાળકો નામ લખી શકતા ન હતાં અને કાનો તથા રેફમાં સમજ પડી ન હતી. શિક્ષણનું સ્તર સુધારવા માટે ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ હજુ પણ સરકારી શાળામાં બાળકો સરખુ વાંચી કે લખી શકતાં નથી.