સેન્સેક્સ 729 અંક વધી 46961ના સ્તરે પહોંચ્યો, બેન્કિંગ શેરમાં તેજી; ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્કના શેર વધ્યા
ભારતીય શેરબજારોમાં બજેટ પૂર્વે હાલ તેજી જોવા મળી રહી રહી છે. સવારે 11.27 કલાકે સેન્સેક્સ 729 અંક વધી 46961 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 185 અંક વધી 13818 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, HDFC, HDFC બેન્ક, ભારતી એરટેલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 9.06 ટકા વધી 922.95 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક 5.12 ટકા વધી 564.50 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ડો.રેડ્ડી લેબ્સ, ટેક મહિન્દ્રા, TCS, HCL ટેક, HUL સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડો.રેડ્ડી લેબ્સ 3.20 ટકા ઘટી 4451.30 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 2.48 ટકા ઘટી 937.80 પર કારોબાર કરી રહ્યો છે.
શેરબજાર માટે બજેટનો દિવસ ભારે ઉતાર-ચઢાવવાળો રહે એવી શકયતા છે. બજારની ચાલ બજેટના અગ્રણી સેક્ટરો સાથે જોડાયેલી જાહેરાતો પર નિર્ભર રહેશે.
બજેટના દિવસે એગ્રી, ઓટો સહિત સિમેન્ટ સેક્ટર્સ પર ફોકસ કરાશે
બ્રોકરેજ ફર્મ એન્જલ બ્રોકિંગ લિમિટેડના જણાવ્યા મુજબ, ઓટો ઈન્ડસ્ટ્રીમાં ઈન્સેન્ટિવ બેઝ્ડ સ્ક્રેપ પેજ પોલિસીની સાથે-સાથે એગ્રી, હાઉસિંગ અને ઈન્ફ્રા જેવાં ક્ષેત્રોમાં સુધારા માટે ઘણી જાહેરાત કરવામાં આવી શકે છે. એમાં રોકાણકારોને અશોક લેલેન્ડ, એસ્કોર્ટ, જેકે લક્ષ્મી સિમેન્ટ, વર્લપૂલ ઈન્ડિયા અને LIC હાઉસિંગ ફાઈનાન્સના શેરમાં ખરીદીની સલાહ છે. કંપનીના જણાવ્યા મુજબ બજેટના દિવસે બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારોએ સતર્ક રહેવું જોઈએ.
પડોશી દેશોની સાથેના તણાવ અને હથિયારની નિકાસને જોતાં સરકાર આ સેક્ટર માટે મોટી જાહેરાત કરી શકે છે. એવામાં રક્ષાક્ષેત્રના શેર આજે ફોકસમાં રહેશે. એમાં હિન્દુસ્તાન એરોનોટિકલ.(HAL)નો શેર સૌથી મહત્ત્વનો છે.
સરકારી કંપનીઓના શેર ફોક્સમાં હશે
સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ યોજના અંતર્ગત અત્યારસુધીમાં 19499 કરોડ રૂપિયા એકત્રિત કરી શકી છે, જ્યાકે નાણાકીય વર્ષ 2020-21માં 2.10 લાખ કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના હતી. એવામાં આજે સરકારી કંપનીઓના શેર ફોકસમાં રહેશે, કારણ કે સરકાર પ્રાઈવેટાઈઝેશનની રકમ એકત્રિત કરવા સંબંધિત જાહેરાતો કરી શકે છે.
બજેટના સમયે બજારમાં રિવર્સ ટ્રેન્ડ, ફિસ્કલ ડેફિસિટનું અનુમાન અને નવા ટેક્સ સ્લેબની અસર થશે ઐતિહાસિક રીતે બજેટના સમયે શેરબજારમાં રિવર્સ ટ્રેન્ડ જોવા મળે છે, એટલે કે સતત વધારા સાથે કારોબાર કરી રહેલું બજાર બજેટના દિવસ જ ઘટે છે. આ રીતે ઘટાડા સાથે કારોબાર કરી રહેલા માર્કેટમાં બજેટના સમયે વધારો જોવા મળે છે, જોકે આ દરેક બજેટ વખતે જરૂરી નથી. જોકે બીજી તરફ બજેટના દિવસે બજાર 12માંથી 7 વખત ઘટીને બંધ થયું છે.
અમેરિકાનાં બજારમાં ભારે ઘટાડો
આજે ગ્લોબલ સેન્ટિમેન્ટમાં ઘણો ઉતાર-ચઢાવવાળો છે. એક તરફ જાપાનનો નિક્કેઈ, હોંગકોંગના હેંગસેંગ અને ઓસ્ટ્રેલિયાના ઓલ આર્ડિનરીઝ ઈન્ડેક્સમાં 1 ટકાનો વધારો છે. આ જ રીતે કોરિયા કોસ્પી ઈન્ડેક્સ 1.76 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ સપાટ કારોબાર કરી રહ્યો છે. આ પહેલાં અમેરિકા અને યુરોપિયન માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો હતો.
ગઈકાલે ડાઉજોન્સ, નેસ્ડેક, S&P 500 ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઘટી બંધ થયા હતા. આ રીતે બ્રિટનનો FTSE, ફ્રાન્સનો CAC અને જર્મનના DAX ઈન્ડેક્સમાં 2 ટકા સુધીનો ઘટાડો રહ્યો.