Uncategorized

હાર્દિકની ભાજપમાં એન્ટ્રી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો

ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે 12.39ના વિજય મુહૂર્તમાં ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે. તેમણે સવારે એસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી. કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો. બીજી તરફ, કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. આંદોલન સમયે ભાજપના નેતાઓ વિશે જેમતેમ શબ્દો બોલ્યા અને જનતા સાથે દ્રોહ કર્યો તો તેમની માફી માગવા માગો છો, એવા પત્રકારોના સવાલનો જવાબ આપતાં હાર્દિકે કહ્યું, હું જનતા માટે લડતો હતો. તેમણે માફી માગવાના મામલે સ્પષ્ટ ના પાડી દીધી હતી.

હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ મેળવીને પત્રકારોને જણાવ્યું હતું કે આંદોલન દરમિયાન અનેક ચઢાવ-ઉતાર જોયા, 2015માં એક આંદોલનની શરૂઆત થઈ હતી. આ ચઢાવ-ઉતાર દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા 10 ટકા EBC આપવામાં આવ્યું. હું કોંગ્રેસમાં જનહિતની ભાવના સાથે જોડાયો હતો. દરેક માણસની આકાંક્ષા હોય કે તે દેશના હિત માટે કામ કરે. મેં કોંગ્રેસથી દુઃખી થઈને તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે.

હું પક્ષનો સામાન્ય કાર્યકર બનીને કામ કરીશ. કેન્દ્રની ભાજપ સરકારે કલમ 370 હટાવી ત્યારે મેં સમર્થન કર્યું હતું. જ્યારે મેં રાજીનામું લખ્યું ત્યારે લોકો કહેતા હતા કે કમલમથી લખાયું છે. આ સમયે કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રામ મંદિર વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. આનંદીબેન જ્યારે ભાજપમાં માંડલથી ચૂંટણી લડતાં હતાં ત્યારે મારા પિતા તેમની સાથે હતા. રાષ્ટ્રના હિતની વાત હોય ત્યારે રાજા નહીં, સૈનિકની ભૂમિકામાં છું. હું ઘરવાપસી નથી કરતો, અમે ઘરમાં જ હતા.

અમે નક્કી કર્યું છે અને મને ભરોસો છે કે પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા લોકોના પરિવારને મદદ કરીશું. તેમને નોકરી અપાવવા પ્રયાસ કરીશું, સરકારને પણ કહીશું કે મદદ કરે. ભાજપને ગાળો આપી, હવે ઘરનો દીકરો મા-બાપ પાસે માગણી કરે છે. રાજ્ય સરકાર પાસે માગણી કરે છે. આંદોલન ભલે સરકાર સામે ચાલ્યું અને પૂરું પણ સરકારે જ કર્યું છે. સત્તા સામે લડ્યો છું. પપ્પા સામે ચોકલેટ લેવા ઝગડો જ છો ને.

શ્વેતા બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે રાજકીય લાઈફ મારી રીતે પસંદ કરી છે. હું એજ્યુકેટેડ છું અને એક્ટિવ પોલિટિક્સમાં કામ કરવા માગું છું. મેં કોઈ કમિટમેન્ટ નથી આપ્યું અને લીધું પણ નથી. કોંગ્રેસમાંથી રાજીનામું આપવા પાછળ અનેક કારણો છે. આ એક એવી બોટ છે, જેના પાંચ અલગ અલગ ચાલકો છે. ત્યાં મેનેજમેન્ટની કમી છે. દરેક કાર્યકરને સમાન ગણવામાં આવતા નથી એ કોંગ્રેસની સૌથી મોટી કમી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x