ધર્મ દર્શન

શ્રીરામ ભક્ત હનુમાનજી પંચમુખી કેમ બન્યા?

“ઘણીવાર આપે ફોટામાં કે મંદિરમાં પાંચમુખવાળા હનુમાનજીના દર્શન કર્યા હશે, કેમ અને કેવી રીતે હનુમાનજીએ પાંચ મોઢાવાળું રૂપ ધારણ કર્યું હતું? તેની કથા જોઇએ..”

લંકાના રણમેદાનમાં લક્ષ્મણ અને મેઘનાથ વચ્ચે ભિષણ યુદ્ધ થયું અને અંતે મેઘનાથનો વધ થયો.અત્યાર સુધી રાવણ અભિમાનમાં હતો પરંતુ મેઘનાથના મૃત્યુ બાદ લક્ષ્મણનું પરાક્રમ જોઇને ચિંતિત થાય છે.રાવણને દુઃખી જોઇને રાવણની માતા કૈકસીએ પાતાળમાં રહેતા તેના બે ભાઇઓ અહિરાવણ અને મહિરાવણ કે જે રાવણના બાળપણના મિત્રો હતા તેમની યાદ અપાવે છે.લંકાના રાજા બન્યા પછી અભિમાનના લીધે તે કોઇને ગણકારતો ન હતો,તેમછતાં રાવણને સારી રીતે ખબર હતી કે અહિરાવણ અને મહિરાવણ તંત્ર-મંત્રના મહાન પંડીત હતા,જાદુ-ટોણાના માહિર અને માતા કામાક્ષીના પરમ ભક્ત હતા.

રાવણ તેમને બોલાવવા દૂત મોકલી સંદેશો મોકલે છે કે તમારે છળ-કપટ,બળ અને કૌશલ્યથી રામ-લક્ષ્મણનો નાશ કરવાનો છે.ગુપ્તચરોના મારફતે આ વાતની ખબર વિભિષણને થાય છે અને યુદ્ધમાં પરમ માયાવી અહિરાવણ અને મહિરાવણના આવવાથી ચિંતિત થાય છે.વિભિષણને લાગ્યું કે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણની સુરક્ષા વ્યવસ્થા કડક કરવી પડશે અને સુરક્ષાની જવાબદારી વીર હનુમાનજીને સોંપવામાં આવે છે અને પોતે પણ સજાગ બની જાય છે.

શ્રીરામ અને લક્ષ્મણની કુટિયા લંકામાં આવેલ સુબેલ પર્વત પર બનાવવામાં આવી હતી. હનુમાનજીએ ભગવાન શ્રીરામની કુટિયા ઉપર કોઇ જાદુ-ટોણા,તંત્ર-મંત્રની અસર ના થાય અને કોઇ માયાવી રાક્ષસ અંદર ઘુસી ના જાય તે માટે ચારે બાજુ એક સુરક્ષા કવચ બનાવી દીધું.

અહિરાવણ અને મહિરાવણ શ્રીરામ-લક્ષ્મણને મારવા માટે કુટિયા સુધી પહોચ્યા ખરા પરંતુ સુરક્ષા કવચ આગળ તેમનું બળ ન ચાલતાં મહિરાવણ વિભીષણનું રૂપ ધારણ કરીને કુટિયામાં પ્રવેશ કરે છે. રામ અને લક્ષ્મણ સપાટ પત્થરની શિલાઓ ઉપર ઉંઘી રહ્યા હતા તે સમયે કોઇપણ જાતનો અવાજ ન થાય તે રીતે શિલા સહીત બંન્ને ભાઇઓને ઉઠાવીને પોતાના નિવાસ પાતાળ તરફ લઇ જાય છે.વિભીષણ બિલ્કુલ સચેત હતા એટલે થોડીવારમાં જ તેમને ખબર પડી જાય છે કે કંઇક અનહોની ઘટના બની છે.વિભીષણને પહેલાંથી જ મહિરાવણ ઉપર શક હતો અને તેથી જ તેમને રામ-લક્ષ્મણની ચિંતા રહેતી હતી.

વિભિષણે હનુમાનજીને મહિરાવણના વિશે વિસ્તૃત વાતો સમજાવી તેનો પીછો કરવા મોકલે છે. લંકામાં પોતાના અસલી રૂપમાં ફરવું હનુમાનજી માટે યોગ્ય ન લાગતાં તેમને એક પક્ષીનું રૂપ ધારણ કરીને નિકુંભલા નગરમાં પહોંચે છે ત્યાં તેમને એક કબૂતર અને કબૂતરી જે અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા તે સાંભળ્યું.કબૂતર કહી રહ્યું હતું કે હવે રાવણની જીત નક્કી છે.અહિરાવણ અને મહિરાવણ રામ-લક્ષ્મણની બલિ ચઢાવી દેશે એટલે યુદ્ધ સમાપ્ત થશે.કબુતરની વાતોથી બજરંગબલીને ખબર પડી કે બંન્ને રાક્ષસો રામ-લક્ષ્મણને સૂતેલા જ ઉઠાવીને કામાક્ષી દેવીને બલિ ચઢાવવા પાતાળલોક લઇ ગયા છે. હનુમાનજી વાયુ વેગથી પાતાળલોકમાં પહોચી જાય છે.

પાતાળ લોકના પ્રવશેદ્વાર ઉપર તેમને એક અદભૂત ચોકીદાર જોવા મળે છે જેનું અડધું શરીર વાનરનું અને અડધું શરીર માછલીનું હતું તે હનુમાનજીને પાતાળલોકમાં પ્રવેશ કરતાં રોકે છે. દ્વારપાળ હનુમાનજીને કહે છે કે મને પરાસ્ત કર્યા વિના આપ અંદર જઇ શકતા નથી અને બંન્ને વચ્ચે યુદ્ધ થાય છે. હનુમાનજીની ધારણા કરતાં આ દ્વારપાળ શક્તિશાળી અને કુશળ યોદ્ધો નિકળ્યો.બંન્ને શક્તિશાળી યોદ્ધાઓ વચ્ચે ભિષણ યુદ્ધ થાય છે અને અંતે બજરંગબલીની આગળ તે ટકી શકતો નથી,છેલ્લે હનુમાનજીએ તેને હરાવી દીધો પણ તેના વખાણ કર્યા વિના રહી શકતા નથી.

હનુમાનજીએ તે વીરને પુછ્યું કે આપ પોતાનો પરીચય આપો,તમારું સ્વરૂપ જોઇને મને નવાઇ લાગે છે.ત્યારે તે વીરે જવાબ આપ્યો કે હું હનુમાન પુત્ર છું અને એક માછલીના ગર્ભથી પૈદા થયો છું મારૂં નામ મકરધ્વજ છે.હનુમાનજીને આ સાંભળીને નવાઇ લાગી અને તેની વાતો સાંભળવા લાગ્યા.મકરધ્વજે કહ્યું કે લંકાદહન પછી હનુમાનજી સમુદ્રમાં પોતાની અગ્નિ શાંત કરવા ગયા ત્યારે તેમના શરીરમાંથી પરસેવાના રૂપમાં સમુદ્રમાં તેજ પડ્યું તે સમયે મારી માતાનું મુખ આહારના માટે ખુલ્લું હતું એટલે તેજ મારી માતાએ પોતાના મુખમાં લઇ લીધું અને ગર્ભવતી બની તેનાથી મારો જન્મ થયો છે.હનુમાનજીએ જ્યારે મકરધ્વજના જન્મની વાત સાંભળી ત્યારે પોતાનો પરીચય આપતાં કહ્યું કે હું પોતે જ હનુમાન છું.

મકરધ્વજે હનુમાનજીના ચરણસ્પર્શ કર્યા તો હનુમાનજીએ પોતાના પૂત્રને આલિંગનમાં લઇ અહી આવવાનું કારણ બતાવ્યું અને પોતાના સ્વામી શ્રીરામની રક્ષા કરવા સહાયતા કરવા કહ્યું.મકરધ્વજે કહ્યું કે થોડા જ સમયમાં રાક્ષસ બલિ ચઢાવવા આવશે ત્યાર પહેલાં આપ રૂપ બદલીને કામાક્ષી મંદિરમાં જઇને બેસી જાઓ અને સમગ્ર પૂજા ઝરોખામાંથી કરવાની સૂચના આપો.હનુમાનજીએ પ્રથમ મધુમાખીની રૂપ ધારણ કરીને કામાક્ષી માતાજીના મંદિરમાં પ્રવેશ કરે છે.હનુમાનજીએ માતા કામાક્ષીને નમસ્કાર કરીને સફળતાની કામના કરી અને પુછ્યું કે હે માતા આપ શ્રીરામજી અને લક્ષ્મણની બલિ ઇચ્છો છો? ત્યારે માતા કામાક્ષીએ જવાબ આપ્યો કે હું તો દુષ્ટ અહિરાવણ તથા મહિરાવણની બલિ ઇચ્છું છું.આ બંન્ને મારા ભક્તો છે પરંતુ અધર્મી અને અત્યાચારી છે એટલે આપ પ્રયત્ન કરો આપ સફળ થશો.

માતા કામાક્ષીએ કહ્યું કે મને પ્રસન્ન કરવા અહિરાવણે મંદિરમાં પાંચ દિપક અલગ અલગ દિશાઓ અને સ્થાન ઉપર સળગાવ્યા છે,જે દિવસે આ પાંચ દિપક એક સાથે બુઝાવવામાં આવશે ત્યારે તેનો અંત થશે.એટલામાં બેન્ડ-વાજાંનો અવાજ સંભળાય છે,અહિરાવણ અને મહિરાવણ માતાજીને બલિ ચઢાવવા આવી રહ્યા હતા.હનુમાનજીએ માતા કામાક્ષીનું રૂપ ધારણ કરી કહ્યું કે હું આપની દેવી માતા કામાક્ષી છું. આજે તમે મારી પૂજા ઝરોખામાંથી કરી ભોગ ચઢાવો,તે સમયે શ્રીરામ-લક્ષ્મણ બેહોશ હતા.હનુમાનજીએ બંન્નેને બંધનથી મુક્ત કર્યા.હવે પાતાળલોકથી જવાનો સમય હતો પરંતુ ત્યાર પહેલાં માતા કામાક્ષીને અહિરાવણ અને મહિરાવણની બલિ ચઢાવી માતાજીને પ્રસન્ન કરવાના હતા.

હનુમાનજીએ મકરધ્વજને બેહોશ શ્રીરામ-લક્ષ્મણનું ધ્યાન રાખવાનું કહી બંન્ને રાક્ષસો સાથે યુદ્ધ ચાલુ કર્યું પણ યુદ્ધ સહેલું ન હતું.અહિરાવણ અને મહિરાવણ ઘણી જ મુશ્કેલીથી મરતા અને પાછા પાંચ પાંચ રૂપમાં જીવીત થઇ જતા હતા.આવી વિકટ પરિસ્થિતિમાં મકરધ્વજે કહ્યું કે અહિરાવણની પત્ની નાગકન્યા છે.અહિરાવણને તે પસંદ ન કરતી હોવા છતાં તેને બળજબરીથી ઉઠાવી લાવ્યો છે તે અહિરાવણના મૃત્યુનું રહસ્ય જાણે છે આપ તેમની પાસે જાઓ અને સહાયતા માટે વિનંતી કરો.

મકરધ્વજે રાક્ષસોને યુદ્ધમાં રોકી રાખ્યા અને બીજી બાજુ હનુમાનજી અહિરાવણની પત્ની પાસે જાય છે.નાગકન્યાને કહે છે કે આપ અહિરાવણના મૃત્યુનું રહસ્ય બતાવશો તો હું તમોને તેના બંધનમાંથી મુક્ત કરાવીશ.અહિરાવણની પત્નીએ કહ્યું કે મારૂં નામ ચિત્રલેખા છે.હું ભગવાન વિષ્ણુની ભક્ત છું.મને અહિરાવણ પસંદ નથી પરંતુ તે મારી સુંદરતા જોઇને મને બળજબરીથી ઉઠાવી લાવી મને કૈદ કરી છે પરંતુ આપ મારી ઇચ્છા પુરી કરશો તો જ હું અહિરાવણના મૃત્યુનું રહસ્ય બતાવીશ.ત્યારે હનુમાનજી અહિરાવણની પત્ની નાગકન્યા ચિત્રસેનાને કહે છે કે અહિરાવણના મૃત્યુના રહસ્યના બદલામાં આપ શું ઇચ્છો છો?

ચિત્રસેના કહે છે કે દુર્ભાગ્યથી અહિરાવણ જેવો અસુર મારૂં હરણ કરીને લઇ આવ્યો છે જેનાથી મારૂં જીવન ખરાબ થઇ ગયું છે,હું દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાનું ઇચ્છું છું.આપ મારૂં લગ્ન શ્રીરામ સાથે કરાવી આપવાનું વચન આપો તો હું અહિરાવણના મૃત્યુનું રહસ્ય બતાવીશ.હનુમાનજી વિચારમાં પડી ગયા કે ભગવાન શ્રીરામ તો એક પત્ની નિષ્ઠ છે,પોતાની ધર્મપત્ની દેવી સીતાને મુક્ત કરાવવા અસુરો સાથે યુદ્ધ કરી રહ્યા છે તે બીજા લગ્ન કરવા ક્યારેય તૈયાર થશે નહી તો હું કેવી રીતે ચિત્રસેનાને વચન આપૂં? પછી વિચાર કરવા લાગ્યા કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો મારા સ્વામીના પ્રાણ સંકટમાં છે.અસમંજસની સ્થિતિમાં બેચૈન હનુમાનજીએ એવો રસ્તો કાઢ્યો કે સાપ મરે અને લાઠી પણ ના તૂટે.

હનુમાનજીએ કહ્યું કે આપની શરતનો હું સ્વીકાર કરૂં છું પરંતુ અમારી પણ એક શરત છે કે લગ્ન ત્યારે જ થશે જ્યારે તમારી સાથે ભગવાન શ્રીરામ જે પલંગ ઉપર બેસે તે પલંગ સલામત રહેવો જોઇએ જો તે પલંગ તૂટી જશે તો અપશુકન માનીને શ્રીરામ સાથે તમારૂં લગ્ન થશે નહી.

મહાકાય અહિરાવણના બેસવાથી પલંગ ના તૂટતો હોય તો શ્રીરામના મારી સાથે બેસવાથી પલંગ કેવી રીતે તૂટવાનો હતો? તેમ માનીને ચિત્રસેનાએ શરતનો સ્વીકાર કરી અહિરાવણ સહિત તમામ રાક્ષસોના મૃત્યુનું રહસ્ય હનુમાનજીને બતાવી દીધું.

ચિત્રસેનાએ કહ્યું કે આ બંન્ને રાક્ષસોના બાળપણની વાત છે.એકવાર આ બંન્ને રાક્ષસોએ મિત્રો સાથે મળીને મનોરંજન માટે એક ભમરીને પકડીને વારંવાર તિક્ષ્ણ કાંટા તેને ભોંકવા લાગ્યા. આ કોઇ સામાન્ય નહી પરંતુ માયાવી ભમરી હતી.ભમરીની વેદના જોઇને અહિરાવણ અને મહિરાવણને દયા આવે છે અને ભમરીને છોડી મુકે છે.માયાવી ભમરીનો પતિ પોતાની પત્નીની વેદના સાંભળીને આવે છે અને પોતાની પત્નીને મુક્ત કરી તો પ્રસન્ન થઇને વચન આપે છે કે તમારાના ઉપકારનો બદલો અમે સમગ્ર ભ્રમર જાતિ ભેગા મળીને ચુકવીશું.મોટી સંખ્યામાં આ ભમરાઓ તેમના શયનખંડની આસપાસ જ રહેતા હતા.આ બંન્ને રાક્ષસોને કોઇ મારવા માટે પ્રયત્ન કરે અને તે મૃત્યુને શરણ થાય ત્યારે આ ભમરાઓ તેના મુખમાં અમૃતનું એક બુંદ નાખી બચાવી લે છે.આ અમૃતના કારણે આ બંન્ને રાક્ષસો મરીને પણ જીવતા થઇ જાય છે એટલે આ બે રાક્ષસોને મારતા પહેલાં તમારે આ ભમરાઓને મારવા પડશે.

ચિત્રસેના પાસેથી રાક્ષસોના મૃત્યુનું રહસ્ય જાણીને હનુમાનજી પાછા આવે છે.મકરધ્વજે બંન્ને રાક્ષસોને યુદ્ધમાં રોકી રાખ્યા હતા બીજી બાજું હનુમાનજીએ તમામ ભમરાઓને મારવાના શરૂ કર્યા, અંતે એક ભમરો બચે છે જે હનુમાનજીની શરણમાં આવી પ્રાણરક્ષાની યાચના કરે છે, હનુમાનજીને દયા આવે છે અને તેને જીવનદાન આપી એક કામ સોંપે છે. હનુમાનજીએ કહ્યું કે હું તને એક શરતે પ્રાણદાન આપું છું,તૂં અહિરાવણના પત્નીના લાકડાના પલંગમાં ઘુસી તેને બિલ્કુલ ખોખરી કરી નાખ.ભમરો તરત ચિત્રસેનાના પલંગમાં ઘુસી તેને ખોખરો કરી નાખે છે.બીજી બાજું અહિરાવણ અને મહિરાવણ પોતાના ચમત્કારથી અદ્રશ્ય થઇ જતા તેમછતાં હનુમાનજીએ યુદ્ધ ચાલુ રાખ્યું.ભમરાઓને હનુમાનજીએ મારી નાખ્યા હતા તેમછતાં આ બે રાક્ષસો મરતા નથી તેની હનુમાનજીને ચિંતા થાય છે તે સમયે તેમને માતા કામાક્ષીનું વચન યાદ આવે છે કે “જ્યારે મંદીરમાં અલગ અલગ દિશામાં પ્રગટાવેલા પાંચ દિપકો એક સાથે હોલવવામાં આવશે ત્યારે તે નવા નવા રૂપો ધારણ કરવામાં અસમર્થ બનશે અને તેમનો વધ થશે.

હનુમાનજીએ તત્કાળ પંચમુખી રૂપ ધારણ કર્યું.પુર્વ દિશામાં હનુમાન મુખ,પશ્ચિમ દિશામાં ગરૂડ મુખ, ઉત્તર દિશામાં વરાહ મુખ,દક્ષિણ દિશામાં નરસિંહ મુખ અને આકાશની તરફ હયગ્રીવ મુખ. ત્યાર પછી હનુમાનજીએ પોતાના પાંચ મુખો દ્વારા એક સાથે પાંચેય દિપકોને બુજાવી દીધા જેથી રાક્ષસો વારંવાર પૈદા થઇને લાંબા સમય સુધી જીવીત રહેતા હતા તે આશંકા પુરી થતાં હનુમાનજી અને મકરધ્વજના હાથે બંન્ને રાક્ષસો માર્યા જાય છે.

ત્યારબાદ શ્રીરામ-લક્ષ્મણની મૂર્છા દૂર કરવાનો ઉપાય કરવામાં આવે છે.બંન્ને ભાઇઓ હોંશમાં આવી જાય છે ત્યાં જ ચિત્રસેના આવી પહોંચે છે.હનુમાનજી કહે છે કે પ્રભુ હવે આપ અહિરાવણ અને મહિરાવણના છળ અને બંધનથી મુક્ત થયા છો પરંતુ તેના માટે અમારે નાગકન્યા ચિત્રસેનાની સહાયતા લેવી પડી હતી.અહિરાવણ તેને બળપૂર્વક ઉઠાવી લાવ્યો હતો, તે આપની સાથે વિવાહ કરવા ઇચ્છે છે તો કૃપા કરીને આપ તેની સાથે વિવાહ કરીને પોતાની સાથે લઇ લો કે જેનાથી તેને પણ મુક્તિ મળે.

હનુમાનજીની આવી વાત સાંભળીની ભગવાન શ્રીરામને નવાઇ લાગે છે તે કંઇક કહે તે પહેલાં હનુમાનજીએ કહ્યું કે ભગવાન આપ તો મુક્તિદાતા છો.અહિરાવણના મૃત્યુનું રહસ્ય ચિત્રસેનાએ બતાવ્યું હતું, તેની સહાયતા વિના અમે અહિરાવણને મારવામાં સફળ થઇ શકવાના નહોતા.કૃપાનિધાન ચિત્રસેનાને પણ મુક્તિ મળવી જોઇએ,આપ ચિંતા ન કરો,અમારા સર્વેનું જીવન બચાવનાર આપ તેની સાથે આ પલંગ ઉપર તેની સાથે બેસો બાકીનું કામ હું સંભાળી લઇશ.હનુમાનજી એટલી ઝડપથી તમામ કામો કરી રહ્યા હતા કે શ્રીરામ-લક્ષ્મણ ચિંતામાં પડી જાય છે.

હનુમાનજીએ ભગવાન શ્રીરામનો હાથ પકડીને ચિત્રસેનાના સજાવેલા પલંગ ઉપર બેસાડી દીધા, શ્રીરામ કંઇક સમજે તે પહેલાં તો પલંગ તૂટી જાય છે.ચિત્રસેના પણ જમીન ઉપર પડી જાય છે.હનુમાનજી હંસીને ચિત્રસેનાને કહે છે કે તમારી શરત પુરી થતી નથી એટલે શ્રીરામ સાથે તારો વિવાહ થશે નહી હવે તૂં મુક્ત છે અને અમે તને તારા લોકમાં જવાની વ્યવસ્થા કરીએ છીએ.

ચિત્રસેના સમજી ગઇ કે તેની સાથે છળકપટ કરવામાં આવ્યું છે.મર્યાદા પુરૂષોત્તમનો સેવક કોઇની સાથે છળકપટ કરે તે ઉચિત ના કહેવાય એટલે હું હનુમાનજીને શ્રાપ આપીશ.ચિત્રસેના હનુમાનજીને શ્રાપ આપવા જઇ રહી છે તે સમયે શ્રીરામનો સમ્મોહન ભંગ થાય છે,તે સમગ્ર નાટકને સમજી જાય છે.તેમને ચિત્રસેનાને સમજાવ્યું કે મેં એક પત્નીવ્રતનો સંકલ્પ લીધેલો છે એટલે હનુમાનજીએ આમ કરેલ છે.ગુસ્સે ભરાયેલી ચિત્રસેના શ્રીરામ સાથે લગ્ન કરવાની જીદ કરે છે ત્યારે શ્રીરામ કહે છે કે હું જ્યારે દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર લઇશ ત્યારે તમોને સત્યભામાના રૂપમાં મારી પટરાણી બનાવીશ ત્યારે તે માની ગઇ. હનુમાનજીએ તેને તેના પિતાની પાસે પહોંચાડી દીધી.ચિત્રસેનાને પ્રભુએ આગલા જન્મમાં પત્ની બનાવવાનું વરદાન આપ્યું તેથી તેને પોતાનું શરીર અગ્નિમાં ભસ્મ કરી દીધું અને શ્રીરામ-લક્ષ્મણ મકરધ્વજ અને હનુમાનજી સહિત પાછા સુબેલ પર્વત ઉપર પાછા આવે છે.

આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી, ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x