વિટામિન A લેવાથી સ્કિન કેન્સરના જોખમને 15% ઘટાડી શકાય છે.
હેલ્થ :
શારીરિક વૃદ્ધિ, રોગ પ્રતિકારક શક્તિને વધારવા અને આંખો માટે વિટામિન એ આવશ્યક હોય છે. વધારે પડતાં વિટામિન એની માત્રાવાળો ખોરાક લેવાથી સ્કિન કેન્સરનું જોખમ ઘટે છે. તાજેતરમાં થયેલાં રિસર્ચમાં આ વાત સામે આવી છે.
વિટામિન A લેવાથી સ્કિન કેન્સરના જોખમને 15% ઘટાડી શકાય છે
આ રિસર્ચ ‘જામા ડર્મેટોલોજી’ જર્નલમાં પ્રકાશિત થયું હતું. જર્નલ મુજબ, રિસર્ચમાં 1 લાખ 25 હજારથી વધારે અમેરિકાના નાગરિકોને આ રિસર્ચમાં સામેલ કરાયા હતા. તેમાંથી વિટામિન Aની માત્રાવાળો ખોરાક વધારે લેતા લોકોમાં સ્ક્વેમસ સેલ (squamous cell) કેન્સરનું જોખમ અન્ય લોકો કરતાં 15% ઓછું જોવા મળ્યું હતું. આ તમામ લોકોનો વિટામિન Aનો સોર્સ તેમનો ખોરાક જ હતો.
કુદરતી રીતે મળતું વિટામિન A સુરક્ષિત
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના અસોશિએટ પ્રોફેસર યુનુંગના મતે, ‘રિસર્ચના પરિણામોએ ફળો અને શાકભાજી સાથે હેલ્દી ડાયટ લેવા માટે વધુ એક કારણ આપ્યું છે. કુદરતી રીતે મળતું વિટામિન A સુરક્ષિત હોય છે.’ યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH)અનુસાર, વિટામિન Aના મુખ્ય સ્ત્રોતમાં શક્કરિયું, શક્કર ટેટી, ગાજર, લાલ કેપ્સિકમ, બ્રોકલી, ડેરી પ્રોડક્ટ અને માંસાહાર સામેલ છે.
તડકામાં વધારે રહેવાથી સ્કિન કેન્સરનું જોખમ
‘સ્ક્વેમસ સેલ કાર્સિનોમા’ સ્કિન કેન્સરનો સામાન્ય પ્રકાર છે. આ રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે 11% અમેરિકાના નાગરિકોને આ પ્રકારનું કેન્સર થાય છે. તે વધારે પડતા સૂર્ય પ્રકાશના સંપર્કમાં રહેવાથી થાય છે. ખાસ કરીને ચહેરા અને માથા પર આવતો સૂર્ય પ્રકાશ વધારે જોખમકારક હોય છે. આ રિસર્ચમાં સરેરાશ 50 વર્ષની ઉંમરના 75 હજારથી વધુ મહિલાઓ અને 50 હજાર પુરુષોને સામેલ કરાયા હતા. તેમાંથી 4 હજાર લોકોમાં સ્કિન કેન્સર જોવા મળ્યું હતું. આ એવા લોકો હતા જેઓ તેમના ખોરાકમાં વિટામિન Aનું ઓછું સેવન કરતા હતા.