ગુજરાતમાં ભાજપ સત્તા મેળવવી મુશ્કેલ, વિધાનસભાની ૫૦ બેઠકો ઉપર પાટીદાર પાવર
ગાંધીનગર :
રાજ્યમાં ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં આવી ચૂક્યો છે અને જન આશીર્વાદ યાત્રાના નામે દિલ્હી આલા કમાને બે પાટીદાર કેન્દ્રીય મંત્રીઓને સૌરાષ્ટ્રના પ્રવાસે મોકલ્યા હતા. પાટીદારોનો મિજાજ પારખવા માટે સમગ્ર રાજ્યમાં પણ અન્ય કેન્દ્રીય મંત્રીઓએ જન આશીર્વાદ યાત્રા યોજી હતી. કેન્દ્રીય મંત્રીઓના નિવેદનોમાં પાટીદાર પ્રેમ ઉભરાયો હતો અને એ પછી ખોડલધામના નરેશ પટેલ અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સહીતનાઓ ભાજપ ઉપર વળતો હૂમલો કર્યો હતો. હવે એ જગજાહેર વાત છે કે, વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપે ૧૫૦ બેઠકોનો ટાર્ગેટ પૂરો કરવો હશે તો પાટીદારોનો પ્રેમ જોઈશે. પાટીદારોના પ્રેમ વિના ભાજપને સત્તામાં આવવું પણ મુશ્કેલભર્યું બની જઈ શકે છે. દિલ્હી આલા કમાન પણ એ સારી રીતે જાણી ચૂક્યું છે કે ગુજરાતમાં પાટીદારોના સાથ વિના ભાજપને સત્તા મળવી મુશ્કેલ છે. પાટીદારોને ગુજરાતના અને કેન્દ્રના રાજકારણમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે તેવું ભાજપ તરફથી અવાર-નવાર કહેવાય છે પરંતુ ગુજરાતનો આગામી મુખ્યમંત્રી તો પાટીદાર જ હોવો જોઇએ તેવા નિવેદનો વારંવાર પાટીદાર સમાજમાંથી ઊઠે છે ત્યારે ભાજપની ઊંઘ હરામ થઈ જાય છે. પાટીદાર અનામત આંદોલનને કોઈ પાટીદાર ભૂલ્યો નથી અને હવે ભાજપ પાટીદારોના એ ઘા ઉપર ભાજપ મલમ લગાડવાની કોશિશ કરી રહ્યો છે. ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર પાવર ચાલશે તેમાં બેમત નથી. પાટીદારોને રિઝવવા માટે ભાજપ ભારે ધમપછાડા કરી રહ્યો છે જે। કે, તેમાં સફળતા મળે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે.
ગુજરાતમાં ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં પાટીદાર પાવર ચાલે છે તેવી ૫૦ બેઠકો ઉપર પાટીદારો નિર્ણાયક ભૂમિકામાં છે. આ ૫૦ બેઠકો ઉપર પાટીદારો જે પાર્ટી સાથે જશે તે પાર્ટી ગુજરાતમાં સત્તા મેળવશે. આ સિવાય બીજી ૨૧ બેઠકો પણ એવી છે કે જ્યાં પાટીદારોનું પ્રભુત્વ છે. રાજ્યની વસતિમાં ૧૫ ટકા પાટીદાર સમાજ નિર્ણાયક છે અને ભાજપને સત્તામાં બેસાડવા તેમજ સત્તાથી વિમુખ કરવા માટે કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ટાર્ગેટ ૧૧૫ બેઠકનો હતો પરંતુ, પાટીદારોના પ્રભાવવાળી ૮ બેઠકો મળી શકી નહોતી જેથી ભાજપને માત્ર ૯૯ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. પાટીદાર અનામત આંદોલનના ૬ વર્ષ પછી સમાજને હજુ ય ન્યાય મળ્યો નથી અને ભાજના નેતાઓ પાટીદાર સમાજને રિઝવવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. જ્યારે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી આવે ત્યારે મુખ્યમંત્રી તો પાટીદાર હોવો જોઇએ તેવા નિવેદનો સામે આવે છે જેને લઈ ભાજપની ઊંઘ હરામ થઈ જાય છે અને પછી પાટીદારોને મનાવવા ધમપછાડા શરૂ કરી દેવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી ૫૦ બેઠકો એવી છે કે જ્યાં પાટીદાર પાવર જ ચાલે છે અને પાટીદારોના સાથ વિના સત્તા મળી શકે તેમ જ નથી. ભાજપના દિલ્હી આલા કમાને પાટીદારોને રિઝવવા તનતોડ પ્રયાસો કર્યા છે જે કે, બીજી તરફ પાટીદાર સમાજ હજુ ય સંતુષ્ટ નથી અને જે રીતે હવે આંદોલન પાર્ટ-૨ની હલચલ થઈ રહી છે ત્યારે બેશક ભાજપ માટે મુસીબત સર્જી શકે છે.
આ ૫૦ બેઠકો પાટીદારોનો ગઢ
ગુજરાતના રાજકારણમાં પાટીદારોનું જબરજસ્ત પ્રભુત્વ છે તેથી પાટીદારોને નારાજ કરવાનું કોઈ પાર્ટીને પોસાય તેમ નથી. જે ૫૦ બેઠકો પાટીદારોનો ગઢ ગણાય છે તેમાં વિસનગર, બેચરાજી, ઊંઝા, મહેસાણા, ગાંધીનગર ઉત્તર, વિજાપુર, માણસા, ઘાટલોડીયા, હિંમતનગર, ઠક્કરબાપાનગર, નારણપુરા, વેજલપુર, સાબરમતી, મણિનગર, નિકોલ, નરોડા, દસ્ક્રોઇ, ટંકારા, ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ દક્ષિણ, રાજકોટ ઈસ્ટ, વિરમગામ, જામજાધપુર, ગોંડલ, જસદણ, કેશોદ, વિસાવદર, જૂનાગઢ, માણાવદર, સાવરકુંડલા, લાઠી, અમરેલી, ધારી, જામનગર ગ્રામ્ય, જેતપુર, ધોરાજી, સયાજીગંજ, કામરેજ, બોટાદ, સુરત ઉત્તર, કામરેજ, વરાછા, કરંજ, મજુરા, લુણાવાડા, કતારગામ, નડીયાદ, કરજણ અને ડભોઈનો સમાવેશ થાય છે. આ ૫૦ બેઠકો ગુજરાતના રાજકારણી દશા અને દિશા બંને નક્કી કરે છે.