બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને નોટિસો ફટકારી CGSTએ માંગ્યો માટીનો હિસાબ
સીજીએસટીએ બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને મોટાપાયે નોટિસો ફટકારીને માટી નો હિસાબ માંગવામાં આવ્યો છે. બિલ્ડરો દ્વારા કોઈ પ્રોજેક્ટમાં મોટાભાગે ખોદાણ વેળા માટી નિકળતી હોય છે. આ માટી પર ૫ ટકા જેટલો ટેક્સ લાગે છે. જોકે, માટીનો બારોબાર નિકાલ થઈ જતો હોવાની માહિતી જીએસટી વિભાગને મળતા સમન્સ પણ ઇશ્યુ કરાયા છે. સી.એ. અતિત શાહ આપેલી માહિતી અનુસાર, માટીના વેચાણ પર ટેક્સ ભરવાનો હોય છે. માટી પણ એક રીતે પ્રોજેક્ટનો જ હિસ્સો હોય છે અને તે કમાણી રૂપે જોવામાં આવે છે, બિલ્ડરોએ પોતાનો જવાબ લખાવવાનો રહેશે.
ખાસ કરીને માટી કેટલી નિકળી છે અને કોને વેચી છે તેનો પણ જવાબ લખાવવાનો રહેશે. પાલિકાના રેકર્ડ મુજબ, વર્ષે અંદાજે ૬૦૦થી વધુ પ્રોજેક્ટ શહેરમાં સાકાર થતા હોય છે. તેમા લાખ્ખો ટન માટી નિકળતી હોય છે. છેલ્લાં ૭ વર્ષથી જીએસટી લાગુ છે એટલે કરોડો ટન માટી નિકળી છે. હવે આ માટી પર ટેક્સ આવ્યો નથી. આથી અધિકારીઓ જેટલા પ્રોજેક્ટ પૂર્ણ થયા છે કે જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેની માહિતી મેળવીને નોટિસો આપવામાં આવી છે, જો પાલિકાના તમામ સિવિલ વર્કની વાત કરીએ તો તે હજારથી વધુ પ્રોજેક્ટ થાય છે. અધિકારીઓ કહે છે કે તપાસમાં સામે આવ્યુ છે કે,
કેટલાંક બિલ્ડરો જમીનનો સોદો કરે તેની પર પ્રોજેક્ટ શરૂ કરે છે ત્યારે માૈખિક કરાર મુજબ માટી ખેડૂતને આપી દે છે અને બાદમાં ખેડૂત તે માટી માર્કેટમાં વેચી દેતો હોય છે. કેટલાંક બિલ્ડરો માટીનો સીધો સોદો કરતા હોય છે. માટી પર ૫ ટકા જીએસટી ભરાતો નથી. માટી ચોરીના કેસમાં ભૂસ્તર વિભાગની પણ ભૂંડી ભૂમિકા સામે આવી રહી છે.