રાજ્યના ૪૦ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાનસન્માન નિધિ યોજનાના રૂ. ૮૦૦ કરોડ જમા થયા
ગાંધીનગર
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના આરોગ્યનું જોખમ વ્હોરીને કોરોના સંદર્ભે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે સંવેદનાપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ નિર્ણય અનુસાર, રાજ્ય સરકારના કોઈપણ કર્મચારી જે કોરોના વાયરસ કૉવિડ-19 ની કામગીરી સાથે સંકળાયેલા હોય અને કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ-19 ના કારણે તેનું અવસાન થાય તો રાજ્ય સરકાર આવા કર્મચારીના પરિવારને ૨૫ લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ કર્મચારી સંવેદનાસભર નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ આ અગાઉ રાજ્યના પોલીસ કર્મીઓ માટે અને ત્યાર બાદ નગરપાલિકા મહાનગરપાલિકાના સફાઈ અને આરોગ્ય કર્મીઓ, રેવન્યુ મહેસૂલી કર્મચારીઓ તેમજ અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોને કોરોના વાયરસ સંદર્ભની ફરજ સેવા દરમ્યાન covid 19 થી મૃત્યુના કિસ્સામાં આવી ૨૫ લાખની સહાય આપવાની જાહેરાત કરેલી છે.
હવે, તેમણે રાજ્ય સરકારની સેવાના કરાર આધારિત, ફિકસ પગારના કર્મીઓ સહિત કોઈપણ કર્મચારીનું કોરોના વાયરસ સંદર્ભની ફરજ કામગીરી દરમ્યાન કોરોનાની અસરથી મૃત્યુ થાય તો તેમના પરિવારને પણ ૨૫ લાખ રૂપિયાની સહાય આપવાનો ઉદ્દાત ભાવ દર્શાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ વર્તમાન કોરોના અને લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના ૪૦ લાખથી વધુ ખેડૂત ખાતેદારોની પડખે ઊભા રહેવાની સંવેદના પણ દર્શાવી છે.
શ્રી અશ્વિનીકુમારે આ સંદર્ભમાં પ્રચાર માધ્યમોને વિગતો આપતાં કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે અત્યાર સુધીમાં આવા ૪૦ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના બેન્ક એકાઉન્ટમાં ચાલુ નાણાંકીય વર્ષની સહાયના પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે પ્રત્યેક ખેડૂત ખાતેદારને ૨૦૦૦ની સહાય પેટે કુલ રૂ. ૮૦૦ કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારે જમા કરાવી છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના દરેક ખેડૂત ખાતેદારને વર્ષ દરમ્યાન ૩ હપ્તામાં કુલ ૬૦૦૦ રૂપિયાની સહાય ભારત સરકાર આપે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
પ્રવર્તમાન કોરોના અને લોકડાઉનની સ્થિતીમાં દેશભરના ૪.૯૧ કરોડ ખેડૂત ખાતેદારોને રાહત આપતા ૨૦૦૦ રૂપિયાના પ્રથમ હપ્તા પેટે કુલ રૂ. ૬૨ હજાર કરોડની સહાય રકમ આપવામાં આવી રહી છે તેની પણ માહિતી મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી હતી.
મુખ્યમંત્રીશ્રીના સચિવે રાજ્યમાં લોકડાઉનની સ્થિતીના ચૌદમા દિવસે જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠાની ઉપલબ્ધિ અને વિતરણની વિગતો પણ આપી હતી.
તેમણે કહ્યું કે, રાજ્યમાં મંગળવારે ૧૯૮.૮૦ લાખ લીટર દૂધની આવક થઇ છે. આમાં નાના-પશુપાલકો દૂધ ઉત્પાદકો જેઓ કોઇ દૂધ મંડળીના સભ્ય નથી તેમની ૬.રપ લાખ લીટર દૂધની આવકનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. મંગળવારે રાજ્યમાં ૪૬.૪૪ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે.
શાકભાજી અને ફળફળાદિની આવક અંગેની વિગતોમાં શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે, મંગળવારે ૧ લાખ ૧૪ હજાર ૧૬૬ કવીન્ટલ શાકભાજી અને ર૦૮૦૬ કવીન્ટલ ફળફળાદિનો આવરો થયો છે.
આ શાકભાજીમાં રપ,૧પર કવીન્ટલ બટાકા, ૧૯,૯૬૮ કવીન્ટલ ડુંગળી, ૧૧,ર૧પ કવીન્ટલ ટમેટા અને પ૭,૮ર૯ કવીન્ટલ લીલા શાકભાજીનો સમાવેશ થાય છે.
રાજ્યમાં સફરજનની ૧૧પ૭ કવીન્ટલ, ૧૪૬૬ કવીન્ટલ કેળાંની અને ૧૮૧૮ર કવીન્ટલ અન્ય ફળોની આવક રહી છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે, વર્તમાન લોકડાઉનની સ્થિતીમાં નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય, એકલવાયું જીવન જીવતા અને જરૂરતમંદ વ્યકિતઓને બે ટાઇમ ભોજન મળી રહે તે માટે સેવાભાવી સંગઠનો અને સ્થાનિક સત્તાતંત્રએ મળીને અત્યાર સુધીમાં પ૭ લાખ પ૪ હજાર ફૂડ પેકેટસ વિતરણ કર્યુ છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં જરૂરતમંદ નાગરિકોને મદદ-સહાય માટે શરૂ કરવામાં આવેલી સ્ટેટ હેલ્પલાઇન – ૧૦૭૦ માં અત્યાર સુધીમાં ૪૬૦૯ અને જિલ્લા હેલ્પલાઇન ૧૦૭૭ માં ર૦૭૯૦ કોલ્સ તબીબી સહાય, દૂધ વગેરે જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધિ, સફાઇ અને અન્ય જરૂરી સેવાઓ માટેના મળ્યા છે અને સંબંધિત તંત્રવાહકોએ તેની યોગ્ય કાર્યવાહી હાથ પણ ધરી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે અનુરોધ કર્યો કે લોકડાઉનની સ્થિતીનું ચુસ્તપણે પાલન થાય એટલું જ નહિ, નાગરિકો સ્વયંશિસ્ત અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી કોરોના વાયરસના સંક્રમણનો ફેલાવો અટકાવે તે જરૂરી છે.