મહારાષ્ટ્રનો નંદુરબાર જિલ્લો રોજ 34.56 લાખ લિટર ઓક્સિજન બનાવી સ્વાવલંબી બન્યો
ગુજરાતને ભલે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન કહેવાતું હોય, પરંતુ વિકાસનો ખરો માપદંડ તો માનવ વિકાસ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ જ છે. આજે કોરોના મહામારીના સમયમાં ગુજરાતની જનતા ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે રઝળપાટ કરી રહી છે. આટલા બધા ઉદ્યોગો હોવા છતાં ઓક્સિજન માટે વલખાં મારવાં પડે છે એ બાબતે ગુજરાતનો વિકાસ માત્ર કાગળ પર હોવાનું પુરવાર કરી દીધું છે.
માનવ વિકાસના માપદંડ પર કોઈએ ખરો વિકાસ કર્યો હોય તો તે આપણા પાડોશી મહારાષ્ટ્રના નાનકડા આદિવાસી જિલ્લા નંદુરબારે કર્યો છે. નંદુરબાર આજે આખા ભારતનો એકમાત્ર એવો જિલ્લો છે, જે ઓક્સિજન સપ્લાઇની દૃષ્ટિએ સંપૂર્ણ સ્વાવલંબી છે. અહીં પ્રતિ મિનિટ 2400 લિટર એટલે દિવસના 34.56 લાખ લિટર ઓક્સિજનનું ઉત્પાદન કરતા બે પ્લાન્ટ કાર્યરત છે. આ સપ્તાહે પ્રતિ મિનિટ 600 લિટર ઓક્સિજનની ક્ષમતાવાળો ત્રીજો પ્લાન્ટ કાર્યરત થઈ જશે. આ બધું શક્ય બન્યું છે મહારાષ્ટ્રના માત્ર 33 વર્ષના જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર ભારુડની દીર્ઘદૃષ્ટિને કારણે.
નંદુરબારમાં કોવિડનાં 150 બેડ ખાલી, ગુજરાતમાંથી દર્દીઓ ત્યાં જાય છે
ડૉ. રાજેન્દ્ર ભારુડે કેવી રીતે નંદુરબાર જેવા પછાત અને આદિવાસી જિલ્લામાં આ ચમત્કાર કરી દેખાડ્યો છે એ જાણતાં પહેલાં જિલ્લાની વર્તમાન સ્થિતિ તરફ નજર કરીએ. નંદુરબાર એ મહારાષ્ટ્રનો માંડ 16 લાખની (અમદાવાદના પાંચમા ભાગની) વસતિ ધરાવતો જિલ્લો છે, જેની સરહદ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાને અડીને છે. આજે આ જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં 150 બેડ ખાલી છે અને પરિસ્થિતિ એ છે કે આજુબાજુના જિલ્લાઓ જ નહીં, રાજ્યોમાંથી (મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત) પણ દર્દીઓ અહીં સારવાલ લેવા આવે છે. નંદુરબારનો પોઝિટિવિટી રેટ 30% ઘટ્યો છે અને ડેઈલી એક્ટિવ કેસનો આંક 1200થી ઘટીને 300 પર પહોંચ્યો છે.
સપ્ટેમ્બર-2020માં નંદુરબારમાં ઓક્સિજનનો પહેલો પ્લાન્ટ શરૂ થયો
એવું કહેવાય છે કે નવરાશના સમયમાં જે સેના પરસેવો વહાવે છે, યુદ્ધમાં તેનું લોહી ઓછું વહે છે. આ સિદ્ધાંત પર જ ચાલીને ગત સપ્ટેમ્બરમાં જ્યારે દેશમાં કોરોનાના સતત ઘટતા કેસ વચ્ચે બીજાં શહેરો અને જિલ્લાઓમાં તેમની કોવિડ-19 સુવિધાઓના વાવટા સંકેલાઈ રહ્યા હતા ત્યારે ડૉ. ભારુડ અલગ આયોજન કરી રહ્યા હતા. વેક્સિનેશન પ્રોગ્રામ વિશે કેન્દ્ર સરકારે આપેલા આશ્વાસનના ભરોસે બેસી જવાને બદલે ડૉ. ભારુડે ફરી કેસમાં વધારો થાય તો એ સ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. એ સમયે તેમણે જિલ્લામાં 600 લિટર પ્રતિ મિનિટ ઓક્સિજનનું ઉત્પાદન કરતો પહેલો પ્લાન્ટ સ્થાપ્યો હતો.
બધે કોવિડ વોર્ડ બંધ કરાતા હતા ત્યારે ડૉ. ભારુડે ઓક્સિજન પ્લાન્ટ નાખ્યો
આ અંગે ડૉ. રાજેન્દ્ર ભારુડે કહ્યું હતું કે અમેરિકા અને બ્રાઝિલમાં એ સમયે કૂદકે ને ભૂસકે કેસ વધતાં આપણા દેશમાં પણ કોરોનાની બીજી લહેર આવશે એ નક્કી હતું. એક ડોક્ટર તરીકે મને અંદાજો હતો કે બીજી લહેરમાં સૌથી મોટી તંગી ઓક્સિજનની જ થશે. આ કારણે જ સપ્ટેમ્બર, 2020માં અમે જિલ્લામાં પહેલો 600 લિટર પ્રતિ મિનિટની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો. એ સમયે અમારા જિલ્લામાં કોઈ એક દિવસમાં સર્વોચ્ચ કેસનો આંક 190 જ હતો. આમ છતાં માર્ચમાં અમે બીજો પ્લાન્ટ શરૂ કર્યો.
આજે અમારી ઓક્સિજન ઉત્પાદનક્ષમતા પ્રતિ મિનિટ 2400 લિટરની થઈ ગઈ છે. એપ્રિલમાં અમારો જિલ્લાનો એક દિવસનો સર્વોચ્ચ આંક 1200 કેસ થયો અને હવે અમે પ્રતિ મિનિટ 600 લિટર ઓક્સિજન ઉત્પાદનક્ષમતાવાળો ત્રીજો પ્લાન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ.
હોસ્પિટલોમાં પાઈપનું નેટવર્ક ઊભું કરી ઓક્સિજન પૂરો પાડ્યો
સમગ્ર નંદુરબાર જિલ્લામાં અસરકારક રીતે વેક્સિનેશન પ્રોગ્રામ હાથ ધરનારા ડૉ. ભારુડે સતત જિલ્લાના ડોક્ટરો સાથે સંપર્કમાં રહીને તેમની જરુરિયાતો પર ધ્યાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે અમારા ડોક્ટરોને કોઈ સુવિધા પૂરી પાડવામાં કચાશ રાખવા નહોતા માગતા. અમને ખબર હતી કે કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ કટોકટી ઓક્સિજનની જ થશે. આ માટે અમે સરકારી ફંડ તેમજ સીએસઆર ફંડમાંથી મળી રૂ. 85 લાખનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપ્યો હતો.
એટલું જ નહીં, શક્ય એટલી હોસ્પિટલોમાં પાઈપલાઈન વડે ઓક્સિજનનો જથ્થો પહોંચતો થાય તેવી પણ સુવિધા ઊભી કરી હતી, જેથી સિલિન્ડરોની અછતનો ભોગ બનવું ન પડે. તદુપરાંત દર્દીનું ઓક્સિજન લેવલ ડાઉન જાય કે તરત તેમને સપ્લાઇ મળે તો 30% ઓક્સિજન ઉપયોગથી જ તેમની તબિયત સુધરવા માંડે છે.
મહારાષ્ટ્ર સરકારે પણ નંદુરબાર પેટર્ન અનુસરવા કલેક્ટરોને તાકીદ કરી
ડૉ. ભારુડ, 2013ની બેચના IAS ઓફિસરની હવે સમગ્ર મહારાષ્ટ્રના સનદી અધિકારીઓની આલમમાં પ્રશંસા થઈ રહી છે. ખુદ મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સીતારામ કુંતેએ હાલમાં જ જણાવ્યું હતું કે નંદુરબાર પેટર્ન પર ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના આખા રાજ્યમાં કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરે સરકારે પણ તમામ જિલ્લા કલેક્ટરોને આ રીતે ઓક્સિજન નેટવર્ક ઊભું કરવા તાકીદ કરી છે અને એને અનુસરીને હવે લગભગ દરેક જિલ્લા કલેક્ટરે ડૉ. ભારુડનો સંપર્ક શરૂ કરી દીધો છે.
ગરીબ આદિવાસી પરિવારમાં જન્મેલા ડૉ. ભારુડની માતા મહુડો વેચતી હતી
મહારાષ્ટ્રના પછાત ધુળે જિલ્લાના સાકરી તાલુકાના સમોડ ગામે 7 જાન્યુઆરી, 1988ના રોજ જન્મેલા ડૉ. રાજેન્દ્ર ભારુડ માતા કમલાબાઈના ગર્ભમાં હતા ત્યારે જ તેમના પિતા બાંડુ ભારુડનું મૃત્યુ થયું હતું. તેમણે તેમના પિતાને આજદિન સુધી જોયા નથી, કારણ કે તેમનો પરિવાર એટલો ગરીબ હતો કે પિતા કદી ફોટો પણ પડાવી શક્યા નહોતા. માતા કમલાબાઈ મહુડાનો દેશી દારૂ બનાવીને ત્રણ બાળકો સાથેના પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. ડૉ. ભારુડ જવાહર નવોદય વિદ્યાલયમાં ભણીને સ્કોલરશિપ મેળવીને MBBS થયા અને પછી UPSC મેઈન્સ ક્લિયર કરી 2013માં સનદી અધિકારી બન્યા હતા.