રાષ્ટ્રીય

તાઉ-તે પછી ભારત પર હવે yash વાવાઝોડાનું જોખમ, બંગાળની ખાડીમાં શરૂ થયું લો-પ્રેશર વાવાઝોડું

અરબ સમુદ્રમાંથી શરૂ થયેલા તાઉ-તે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓને હચમચાવી દીધા છે. આ વાવાઝોડામાં જાનહાની ઓછી થઈ છે પરંતુ આર્થિક નુકસાન કરોડોનું થયું છે. તાઉ-તે વાવાઝોડું હજી આજે રાજસ્થાન પહોંચ્યું છે. એટલે કે હજી તાઉ-તે વાવાઝોડું સંપૂર્ણ રીતે શાંત પણ પણ નથી થયું ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. આ વાવાઝોડાની અસર 23 મેથી શરૂ થશે અને 26 મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ધી ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD)ના સીનિયર અધિકારી એચ.આર. બિસ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સપ્તાહના અંતમાં દક્ષિણ બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે. આ સિસ્ટમની અસર 23 મેથી જોવા મળશે. આઈએમડી વિભાગ અત્યારે સતત આ નવી સર્જાતી લો-પ્રેશર સિસ્ટમ પર નજર રાખી રહ્યા છે. આ વાવાઝોડું 26 મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી શક્યતા છે. આ વાવાઝોડાનું નામ Yaas જાહેર કરવામા આવ્યું છે.

તાઉ-તે વાવાઝોડાની સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાઈ હતી. 16 મેના રોજ તાઉ-તે મજબૂત રીતે મુંબઈ તરફ આગળ વધ્યું હતું અને 17 તારીખે બપોર પછી જ ગુજરાતમાં તેની અસર દેખાવા લાગી હતી. ગુજરાતમાં વેરાવળ, ઉના, ભાવનગર, મહુવા અને અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડાના કારણે ઘણી તારાજી પણ જોવા મળી હતી. 18 તારીખે મોડી સાંજથી તાઉ-તે રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. 17-18 તારીક દરમિયાન અને મુંબઈ અને ગુજરાતના ઘણાં શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળ્યો હતો.

વાવાઝોડું તીવ્ર કેવી રીતે બને છે?

કોઈપણ ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંને જીવંત રાખવા માટે ઊર્જાની જરૂર હોય છે. આ ઊર્જા સામાન્ય રીતે સમુદ્રની સપાટી પર રહેલા ગરમ પાણી અને બાષ્પ દ્વારા ઉત્પન્ન થાય છે. અત્યારે 50 મીટર ઊંડાઈ સુધી સમુદ્રનું પાણી ગરમ છે, જે આ ચક્રવાતને ઊર્જા પૂરી પાડવા માટે સક્ષમ છે. આ પ્રકારનું વાતાવરણ જ તાઉ-તે વાવાઝોડાંને ગતિ પૂરી પાડે છે.

પાણીની વરાળનાં ઘનીકરણ દ્વારા વધુ ગરમી પ્રકાશિત થાય છે, જેના કારણે વાતાવરણનાં દબાણમાં પણ ઘટાડો નોંધાય છે. ચક્રવાતનું સર્જન નીચા દબાણની પ્રણાલી અને તેની તીવ્રતાનાં અનેક તબક્કાઓમાંથી પસાર થયા પછી થાય છે.

સામાન્ય રીતે, ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડું (બંગાળની ખાડી અને અરબી સમુદ્ર) ચોમાસાની પહેલા અને પછીના સમયગાળા દરમિયાન ફુંકાય છે. જે મુખ્યત્વે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનાનાં સમય દરમિયાન પરિણમે છે. ભારતીય દરિયાકિનારાઓને પ્રભાવિત કરતા વાવાઝોડાં મુખ્યત્વે મે-જૂન અને ઓક્ટોબર-નવેમ્બર વચ્ચેનાં સમયગાળા દરમિયાન ફુંકાય છે.

શું અરબી સમુદ્ર વાવાઝોડાનો હબ બની રહ્યો છે?

વાર્ષિક અભ્યાસને ધ્યાનમાં લઈએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સરેરાશ સ્વરૂપે 5 વાવાઝોડાંનું સર્જન થતું રહેતું હોય છે. જેમાથી બંગાળની ખાડીમાં 4 ચક્રવાત ઉત્પન્ન થયા છે અને તે અરબી સમુદ્ર કરતા વધુ તીવ્ર અને ગરમ હોય છે. અરબી સમુદ્રમાં જે વાવાઝોડું ઉત્પન્ન થાય છે તે સામાન્ય રીતે લક્ષદ્વીપ વિસ્તાર અને મોટાભાગે પશ્ચિમ દિશામાં અથવા ભારતના પશ્ચિમી દરિયાકાંઠેથી પસાર થાય છે.

જોકે તાજેતરનાં વર્ષોમાં હવામાન શાસ્ત્રીએ અભ્યાસ કર્યો તેમાં જાણવા મળ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગને કારણે હવે અરબી સમુદ્ર પણ ગરમ થઈ રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x