કેન્દ્ર સરકારે 5 ડોક્ટરોની ટીમ મોકલી : દેશમાં કેસ અને મોતમાં ત્રીજા નંબરે ગુજરાત
અમદાવાદ :
ગુજરાતમાં કોરોના અટકવાનું નામ લઈ રહ્યો નથી ત્યારે આ સ્થિતિ જોઇને કેન્દ્ર સરકારે પાંચ નિષ્ણાતોની ટીમ ગુજરાત મોકલી છે. આ ટીમે અમદાવાદમાં હોસ્પિટલો, પરિક્ષણ માટેની લેબ, તથા પ્રભાવિત વિસ્તારોમાં મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે રાજ્ય સરકારના મુખ્ય સચિવ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હજુ તેઓ આગામી દિવસોમાં રાજકોટ, વડોદરા અને સુરતની મુલાકાત કરશે. હજુ રાજ્યમાં આગામી બે સપ્તાહમાં કેસમાં વધારો થાય તેવો અંદાજ છે.
અલગ-અલગ વિસ્તારોની જવાબદારી સોંપાઈ
રાજ્યમાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે અધિકારીઓને અલગ-અલગ વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી છે. મુકેશ પુરી અમદાવાદ એસવીપી હોસ્પિટલની સારવાર પર ધ્યાન આપશે. પુનમચંદ પરમાર વેન્ટીલેટર પર રહેલા દર્દીઓની સારવાર પર ધ્યાન આપશે. એ.કે.રાકેશ અમદાવાદ ગ્રામ્ય વસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી પર ધ્યાન આપશે. રાજકોટના જંગલેશ્વરમાં માસ સેમ્પલિંગ બંધ કરવામાં આવ્યું છે. હવે લક્ષણો ધરાવતા અને પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું જ ટેસ્ટિંગ કરવામાં આવશે. નવી ગાઈડલાઈન મુજબ ટેસ્ટિંગ કરવામાં આવશે.
દેશમાં કોરોનાના 17 હજાર કેસ
દેશમાં કોરોનાના દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના દર્દીનો આંકડો 17 હજારને પાર પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં કુલ 568 જેટલા લોકોના મોત થયા છે. દેશમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે, અહી 4 હજાર 483 જેટલા કોરોનાના પોઝિટીવ કેસ તો 283 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના મુંબઈમાં જ 2 હજાર 200થી વધારે કેસ છે. મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આશરે 2 હજાર જેટલા કેસ દિલ્હીમાં નોંધાયા છે. જ્યારે કે 45 જેટલા લોકોના મોત પણ થયા છે. દિલ્હી બાદ ગુજરાતમાં પણ કોરોનાના કેસ બે હાજર પાસે પહોંચવાની તૈયારીમાં છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસ બાદ કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે. ગુજરાત દેશમાં કોરોના પોઝિટીવની સંખ્યા દેશમાં ત્રીજા ક્રમે પહોંચી છે. રાજ્યમાં આ આંક 1,851એ પહોંચ્યો છે. આજે 108 નવા કેસો બહાર આવ્યા છે. મોતના આંકમાં પણ ગુજરાત એ ત્રીજા ક્રમે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોત 223 થયા છે જ્યારે બીજા ક્રમે મધ્ય પ્રદેશ છે. એમપીમાં 72 મોત થયા છે. ગુજરાતમાં મોતનો આંક 67એ પહોંચ્યો છે.